દિલ્હી-NCRમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અને હવાની ગુણવત્તા (AQI) બગડતી જતી હોવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.
સુનાવણીની શરૂઆતમાં જ ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે દિલ્હીની ઝેરી હવા અંગે કટાક્ષ કરતા વકીલોને પૂછ્યું હતું કે, "હું આશા રાખું છું કે તમે બધા દિલ્હીના આ હવામાનની મજા માણી રહ્યા હશો." તેમણે એમ પણ સ્વીકાર્યું કે, "સુપ્રીમ કોર્ટ જેટલા વધુ આદેશો આપે છે, તેટલું જ નિયમોનું ઉલ્લંઘન વધુ થાય છે. આ માનવ સ્વભાભ છે."
કેસમાં સુપ્રીમ કોર્ટને મદદ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ અને એમિકસ ક્યુરી (અદાલત મિત્ર) અપરાજિતા સિંહે દિલ્હીની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, "અહીં પ્રદૂષણનું સ્તર સતત 'ગંભીર' (Severe) શ્રેણીમાં રહે છે અને તેના કારણે મારો અવાજ પણ બેસી ગયો છે. અહીંની ઝેરી હવામાં શ્વાસ લેવો એ દરરોજ એક વ્યક્તિ દ્વારા 30 સિગારેટ પીવા સમાન છે. ખેડૂતો જે પરાળી સળગાવે છે તેનો દિલ્હીના પ્રદૂષણમાં 14 ટકા ફાળો છે, જે આ સ્થિતિને વધુ વણસાવે છે."
આ દરમિયાન બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે, "શું વાયુ પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોની પરાળી જ જવાબદાર છે કે પછી શહેરનો ઉચ્ચ વર્ગ પણ એટલો જ જવાબદાર છે? આપણે સતત પરાળી વિશે જ વાત કરીએ છીએ, પરંતુ અમીર વર્ગનું શું? તેમની હાઈ-એન્ડ અને મોંઘી ગાડીઓ રસ્તા પર સતત દોડી રહી છે તેનું શું?" એમિકસ ક્યુરીએ પણ સ્વીકાર્યું કે વાહનવ્યવહાર પ્રદૂષણ માટે ઘણે અંશે જવાબદાર છે.
પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાતા કડક પગલાંઓની સીધી અસર સમાજના નબળા વર્ગ પર ન પડે તે અંગે પણ કોર્ટમાં ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે દિવાળીમાં જ ગરીબો રોજીરોટી કમાય છે અને તેમને મોટી કાર-વાહનોના કારણે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેથી ગરીબોની આજીવિકા અને તેમની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને જ નિયમો લાગુ કરવા જોઈએ.
કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ કોર્ટ સમક્ષ કેટલાક પગલાં રજૂ કર્યા હતા. તેમાં ખેડૂતો પરાળી ન સળગાવે તે માટે પંચાયતોને અગાઉથી મશીનો અને સાધનો આપવા તથા પરાળી ખરીદવાના ભાવ પહેલેથી નક્કી કરવાનો સમાવેશ થાય છે. વાહનોના પ્રદૂષણને રોકવા દિલ્હીમાં માત્ર BS-6 સ્ટાન્ડર્ડના વાહનોને જ પ્રવેશ અપાઈ રહ્યો છે અને ડીઝલ રિક્ષાઓને તબક્કાવાર હટાવવામાં આવી રહી છે. ટોલ પ્લાઝા પર વાહનો લાંબા સમય સુધી એન્જિન ચાલુ રાખીને ઊભા ન રહે તે માટે પણ વ્યવસ્થા કરાઈ રહી છે.
નોંધનીય છે કે દિલ્હીની ભૌગોલિક સ્થિતિ અને શિયાળાને કારણે હવા વિખેરાતી નથી, આમ છતાં GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) હેઠળ નિયંત્રણો ચાલુ છે.