સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં પ્રદૂષણ પર રાજકીય વિવાદ: AQI ડેટા છુપાવવાનો આરોપ, કેન્દ્ર અને રેખા ગુપ્તા સરકાર ઘેરાઈ

દિલ્હીમાં પ્રદૂષણ પર રાજકીય વિવાદ: AQI ડેટા છુપાવવાનો આરોપ, કેન્દ્ર અને રેખા ગુપ્તા સરકાર ઘેરાઈ

દિવાળી બાદ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચતાં રાજકીય વિવાદ શરૂ થયો છે. દિલ્હી-NCRમાં ધુમાડાના ગાઢ પડને કારણે અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી ગઈ છે. આ દરમિયાન ભાજપના નેતા અને દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટી (AAP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે દિલ્હીમાં પ્રદૂષણ વધારવા માટે પંજાબમાં જાણીજોઈને ખેડૂતોનાં ખેતરોમાં પરાલી સળગાવવામાં આવી રહી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ થઈ શકે છે.

બીજી તરફ કોંગ્રેસ અને AAPએ ભાજપ સરકાર પર પ્રદૂષણ નિયંત્રણમાં નિષ્ફળ રહેવાનો અને હવાની ગુણવત્તાના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. આમ, દિવાળી બાદ વધેલા પ્રદૂષણને લઈને દિલ્હીનું રાજકારણ ગરમાયું છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સમીર એપ પર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે રાત્રે 11:05 વાગ્યે દિલ્હીની સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 373 નોંધાયો હતો. જોકે, અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર 400ને પાર પહોંચી ગયું હતું. અલીપુર, બવાના, બુરાડી, ચાંદની ચોક, મુંડકા, પંજાબી બાગ, રોહિણી અને વિવેક વિહારમાં AQI 400થી વધુ નોંધાયો હતો. આ દરમિયાન દિલ્હી-NCRમાં ધુમાડાના ગાઢ પડને કારણે દૃશ્યતા પણ ઘટી હતી. અહેવાલો અનુસાર, પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હતું ત્યારે અનેક મોનિટરિંગ સ્ટેશનો પર રિયલ ટાઇમ ડેટા દેખાવાનું બંધ થઈ ગયું હતું. આરકે પુરમ, નેહરુ નગર, મુંડકા, સોનિયા વિહાર અને દ્વારકામાં પણ ડેટા મળતો બંધ થયો હતો.

દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ પંજાબમાં પરાલી સળગાવવાની ઘટનાઓ પાછળ AAPના નેતાઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પંજાબના અલગ-અલગ વિસ્તારોના AQIના આંકડા રજૂ કરતાં કહ્યું કે મલોટમાં પ્રદૂષણનું સ્તર ઊંચું છે, જ્યારે અબોહરમાં AQI 1,307 અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના મતવિસ્તાર સંગરુરમાં AQI 1,651 સુધી પહોંચી ગયો છે. કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો કે AAPના ધારાસભ્યો, નેતાઓ અને દિલ્હીની ટીમના ફોન રેકોર્ડની તપાસ થવી જોઈએ. તેમના મતે, આ લોકો પંજાબમાં ખેડૂતોનાં ખેતરોમાં આગ લગાવવાની ઘટનાઓ પાછળ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, જો પંજાબના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભગવંત માન નિષ્પક્ષ તપાસ કરાવે અને પરાલી સળગાવવાની ઘટનાઓનું સત્ય બહાર આવે તો શક્ય છે કે અરવિંદ કેજરીવાલને જેલમાં જવું પડે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ દિલ્હી સરકાર પર પ્રદૂષણના આંકડા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે દિલ્હીના 39માંથી 25 મોનિટરિંગ સ્ટેશનો પર PM2.5ના આંકડા ઉપલબ્ધ નહોતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું સરકાર જાણીજોઈને ડેટા છુપાવી રહી છે? શું મોનિટરિંગ મશીનો બંધ કરી દેવામાં આવ્યાં હતાં કે પછી પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું હતું કે મશીનો તેની નોંધ લઈ શકતાં નહોતાં? પવન ખેડાએ કહ્યું કે ડેટા ગાયબ થવાનો અર્થ એ નથી કે પ્રદૂષણ પણ ગાયબ થઈ ગયું છે. સરકારે દિલ્હીના લોકોને આ અંગે જવાબ આપવો જોઈએ. તેમણે 2019નો સુપ્રીમ કોર્ટનો એક અહેવાલ પણ શેર કર્યો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદૂષણને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી અને લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબૂર કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ ઉઠાવ્યો હતો.