દિવાળી પછી દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 299 નોંધાયો છે, જ્યારે ચાંદની ચોક અને તાલકટોરા ગાર્ડન જેવા વિસ્તારોમાં તે 400ની નજીક પહોંચી ગયો છે. દિલ્હીના 59 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 24 સ્ટેશનો પર AQI 300થી વધુ એટલે કે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં છે, જ્યારે 31 સ્ટેશનો 'ખરાબ' શ્રેણીમાં છે. માત્ર કેન્ટ અને શ્રી અરબિંદો માર્ગ વિસ્તારમાં હવાની સ્થિતિ સામાન્ય છે. પૂસા વિસ્તારમાં સૌથી ખરાબ AQI 385 નોંધાયો છે.
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના આંકડા મુજબ, દિવાળી પર દિલ્હીમાં અંદાજે ₹300 કરોડના ફટાકડા વેચાયા છે. વેપારીઓ કહે છે કે ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે અને મોટાભાગની દુકાનોમાં તહેવારના એક દિવસ પહેલા જ સ્ટોક ખલાસ થઈ ગયો હતો. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના અહેવાલ મુજબ, 26 કેન્દ્રોમાંથી 19 કેન્દ્રો પર અવાજનું પ્રદૂષણ પણ ગયા વર્ષ કરતાં વધુ નોંધાયું છે.
આ સ્થિતિ પર AIIMSના ડૉક્ટર વિજય હદ્દાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "AQI પહેલા ત્રણ અંકમાં હતો, હવે ચાર અંક સુધી પહોંચી ગયો છે. દુનિયાભરમાં ચર્ચા થાય છે કે ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે, તો તે દિલ્હી છે. અહીં રહેનારાઓ માટે જીવન સરળ નથી." તેમણે ઉમેર્યું, "દર મિનિટે ઓછામાં ઓછા 20 વાર શ્વાસ લેવાય છે અને દરેક શ્વાસમાં અડધો લિટર હવા જાય છે. આ ઝેરી ધુમાડો સતત અંદર ખેંચીએ તો આખા દિવસમાં કેટલું ઝેર શરીરમાં જાય? મને નવાઈ લાગે છે કે આપણે જીવતા કેવી રીતે છીએ. મને પૂરો વિશ્વાસ છે કે સમય સાથે આ ઝેરી હવાની શરીર પર ગંભીર અસરો દેખાશે."
ડૉક્ટરે ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ લેતી વખતે ભારે પણું લાગે, ગળું સૂકું રહે, નાક બંધ થાય અને આંખોમાં બળતરા સાથે પાણી આવે. આ તો શરૂઆતના લક્ષણો છે. અસલી ખતરો લાંબા ગાળે ઝેરી ગેસના કારણે શરીરના અંગો પર પડતી અસરોનો છે, જે આજે દેખાતી નથી પણ ભવિષ્યમાં જીવલેણ સાબિત થઈ શકે છે.