સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પછી દિલ્હીની હવા 'ખૂબ જ ખરાબ', AQI 376; અમદાવાદમાં પણ વિઝિબિલિટી ઘટી

દિવાળી પછી દિલ્હીની હવા 'ખૂબ જ ખરાબ', AQI 376; અમદાવાદમાં પણ વિઝિબિલિટી ઘટી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે (8 નવેમ્બર) હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાઈ હતી. શહેરમાં ધુમ્મસની જાડી પરત અને ઓછી વિઝિબિલિટી વચ્ચે સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 376 નોંધાયો હતો. દિવાળીની ઉજવણી, ફટાકડા, વાહનોના પ્રદૂષણ અને પરાલી સળગાવવાને કારણે સોમવારે (9 નવેમ્બર) AQI 'ગંભીર' શ્રેણીમાં પહોંચવાની શક્યતા છે.

દિલ્હીમાં હવાની ગુણવત્તા માપતા 59 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 12 સ્ટેશનો પર AQI 'ગંભીર' શ્રેણીમાં અને 22 સ્ટેશનો પર 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાયો હતો. સૌથી વધુ AQI જહાંગીરપુરીમાં 463 નોંધાયો હતો.

બીજી તરફ, અમદાવાદમાં ફટાકડાના ધુમાડાને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને AQI 250ને પાર પહોંચી ગયો છે. શહેરમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ધોરણો મુજબ AQIને છ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે: 0-50 'સારું', 51-100 'સંતોષકારક', 101-200 'મધ્યમ', 201-300 'ખરાબ', 301-400 'ખૂબ જ ખરાબ' અને 401-500 'ગંભીર'.

દિલ્હીમાં દિવાળીના અવસરે થતા પ્રદૂષણ પર કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સરકાર પર ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, 'દિલ્હીમાં બિનજવાબદાર સરકાર છે, જે AQI 350-400 સુધી પહોંચવા છતાં ફટાકડા ફોડવાની અને વેચવાની મંજૂરી આપી રહી છે. માસૂમ બાળકો અસ્થમાથી પીડિત થઈ રહ્યા છે, વડીલો બીમાર પડી રહ્યા છે અને અમીર લોકો દિલ્હી છોડીને જઈ રહ્યા છે, પરંતુ આ સરકાર માત્ર વોટ-બેંકના રાજકારણમાં વ્યસ્ત છે.'

તબીબોના મતે, આ ઝેરી હવામાં શ્વાસ લેવાથી હોસ્પિટલોમાં શ્વાસ સંબંધી ઇમરજન્સીના કેસો વધવાની શક્યતા છે. લોકોને આંખમાં બળતરા, ગળામાં ઇન્ફેક્શન અને સતત ઉધરસની સમસ્યા થઈ રહી છે. અસ્થમાં, બ્રોન્કાઇટિસ અને હૃદયના દર્દીઓ માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવાથી ફેફસાના કેન્સરનું જોખમ પણ વધે છે. 150થી વધુ AQI હોય તો ચાર સિગારેટના ધુમાડા જેટલું ઝેર શ્વાસમાં જાય છે. તેથી વૃદ્ધો, બાળકો અને શ્વાસના દર્દીઓએ વહેલી સવારે કે મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.