ગાંધીનગરના દહેગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં દહેગામ-અમદાવાદ માર્ગ પર આવેલી આશીર્વાદ હોસ્પિટલ સામે એક અજાણ્યા યુવકે મોટી ટ્રક નજીક આવતાં જ દોટ મૂકીને ટ્રકના પાછળના ટાયર નીચે ઝંપલાવી દીધું, જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક માર્ગ પરથી સામાન્ય રીતે ચાલીને જઈ રહ્યો હતો. દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી એક ટ્રક પસાર થયા બાદ બીજી મોટી ટ્રક નજીક પહોંચતાં જ તેણે અચાનક આવેગમાં આવીને છલાંગ લગાવી હતી. આ ઘટનામાં તેનું માથું છૂંદાઈ જતાં સેકન્ડોમાં જ મોત નિપજ્યું હતું.
ટ્રક ચાલક ગભરાઈને વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
હાલ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. તે કોણ છે અને ક્યાંનો વતની છે તેની કોઈ માહિતી મળી શકી નથી. પોલીસે યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.