સત્ય. સાહસ. સંકલ્પ.

દીકરીના જન્મતાં જ ગળું દબાવી ઝાડીમાં ફેંકી: દહેગામમાં પ્રેમી સાથે મળી માતાએ કર્યો કતલ

દીકરીના જન્મતાં જ ગળું દબાવી ઝાડીમાં ફેંકી: દહેગામમાં પ્રેમી સાથે મળી માતાએ કર્યો કતલ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંગુથલા ગામની સીમમાંથી 14 નવેમ્બરે એક નવજાત બાળકી ઝાડી-ઝાખરામાં ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. તેનું થોડા કલાકોમાં જ મોત થયું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીની માતા અને તેના પ્રેમીએ મળીને આ કૃત્ય કર્યું હતું.

આ મામલે દહેગામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને 21 વર્ષીય પરિણીતા કલ્પા અને તેના 32 વર્ષીય પ્રેમી કાળાજી સોલંકીની ધરપકડ કરી છે. બંને પરિણીત છે અને પોતપોતાના જીવનસાથીથી અલગ રહેતા હતા.

પોલીસ મુજબ, ચાર વર્ષ પહેલાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવતીને બે વખત ગર્ભ રહ્યો હતો, જેનો બંનેએ મળીને નિકાલ કર્યો હતો. ત્રીજી વખત ગર્ભ રહેતાં યુવતીએ ગોળીઓ લઈને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયો. ગર્ભાવસ્થા દરમિયાન તેણે પરિવારજનોથી બધું છૂપાવી રાખ્યું હતું.

14 નવેમ્બરની મધરાતે પ્રસૂતિની પીડા ઉપડતાં કલ્પાએ કુદરતી હાજતે જવાનું કહીને ઘર છોડ્યું અને ગામની સીમમાં જઈને બાળકીને જન્મ આપ્યો. ત્યારબાદ તેમણે નવજાત બાળકીનું ગળું દબાવીને ઝાડી-ઝાખરામાં ફેંકી દીધી હતી.

તે જ દિવસે સવારે સાડા આઠ વાગ્યે ગામના રામાજીના મુવાડા ખાતે રહેતા ખેડૂત શશાંક હિમ્મતસિંહ સોલંકી પોતાના ઘર પાછળના ગોચરમાં ગયા હતા. ત્યાંથી તેમને બાળકના રડવાનો અવાજ સંભળાયો. તેઓ નજીક ગયા તો એક ખાડામાં નવજાત બાળકી પડેલી હતી. તેમણે તરત જ ગામના સરપંચ જીતેન્દ્રસિંહ ઝાલાને જાણ કરી. સરપંચે 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી.

બાળકીને પ્રાથમિક સારવાર બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સાંજે સાતેક વાગે તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું ગળું દબાવવાથી મોત થયાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ કરીને બાતમીના આધારે આરોપી યુગલની ધરપકડ કરી હતી. બંનેએ પૂછપરછમાં સિલસિલાબંધ હકીકતો જણાવી હતી. દહેગામ પોલીસ વધુ તપાસ કરી રહી છે.