મુંબઈ: બોલિવૂડના જાણીતા કલાકારો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવારે બીજી વાર માતા-પિતા બન્યા છે. દીપિકાએ 40 વર્ષની વયે દીકરીને જન્મ આપ્યો છે. કપલે ઇન્સ્ટાગ્રામ પર નવજાત બાળકીના પગનાં નિશાનની તસવીર શેર કરીને આ સારા સમાચાર આપ્યા છે. પોસ્ટમાં તેમણે નજરનું ઇમોજી પણ મૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એપ્રિલમાં કપલે બીજી વાર માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી. તેમણે દીકરી દુઆની એક તસવીર શેર કરી હતી, જેમાં દીકરીએ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી હતી અને તે પોઝિટિવ આવી હતી. તસવીરમાં રણવીર પુત્રીને ખોળામાં લઈને બેઠા હતા, જોકે તેમનો ચહેરો દેખાતો નહોતો. દુઆનો અડધો ચહેરો જોવા મળ્યો હતો.
દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બર 2024ના રોજ પુત્રી દુઆના જન્મની જાણકારી આપી હતી. તે સમયે તેમણે લખ્યું હતું, ‘વેલકમ બેબી ગર્લ. 8 સપ્ટેમ્બર 2024. દીપિકા અને રણવીર.’ આ પહેલાં ફેબ્રુઆરી 2024માં દીપિકાએ પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.
બંનેની લવ સ્ટોરી 2013માં ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ના સેટ પરથી શરૂ થઈ હતી. ઘણા વર્ષો સુધી સંબંધમાં રહ્યા બાદ બંનેએ 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. દીપિકા અને રણવીરે દીકરી દુઆનો ચહેરો દિવાળી 2025ના અવસરે પહેલીવાર દુનિયાને બતાવ્યો હતો.
કામના સંદર્ભમાં, દીપિકા ફિલ્મ ‘કિંગ’માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી તરફ, રણવીરની છેલ્લી બે ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ‘ધુરંધર’ના પહેલા ભાગે દુનિયાભરમાં 1307 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે તેની સિક્વલને પણ દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. ધુરંધર 2એ ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. સેકનિલ્ક મુજબ, ફિલ્મે ભારતમાં આશરે ₹1149 કરોડનું નેટ કલેક્શન અને દુનિયાભરમાં લગભગ ₹1813 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. નોંધનીય છે કે, ગ્રોસ કલેક્શન એટલે ટિકિટમાંથી થયેલી કુલ કમાણી અને નેટ કલેક્શન એટલે કર બાદની કમાણી.