બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે દશેરાના અવસરે તેમની બીજી દીકરીના નામની જાહેરાત કરી છે. બંનેએ સોશિયલ મીડિયા પર સંયુક્ત પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેમણે પુત્રીનું નામ 'દેવી પાદુકોણ સિંહ' રાખ્યું છે. પોસ્ટ સાથે કપલે પરિવારની તસવીર પણ શેર કરી છે, જેમાં રણવીર, દીપિકા અને તેમની બંને દીકરીઓ જોવા મળે છે. ફોટો શેર કરતી વખતે કપલે લખ્યું, "પ્રેમ અને ખુશીઓથી ભરેલી... દેવી પાદુકોણ સિંહ."
દીપિકાએ બીજી દીકરી સાથે પહેલી તસવીર શેર કરી છે. દીપિકા અને રણવીરની બીજી પુત્રીનો જન્મ આ વર્ષે 19 સપ્ટેમ્બરે થયો હતો. કપલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નવજાત બાળકીના પગનાં પગલાંની તસવીર શેર કરી હતી.
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની દીકરીનું નામ પણ દેવી છે. તેનો જન્મ 12 નવેમ્બર 2022ના રોજ થયો હતો.
કપલે 19 એપ્રિલે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દીપિકા અને રણવીરના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની દીકરી દુઆની તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં પુત્રી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડીને ઊભી છે અને તેમાં પોઝિટિવ પરિણામ દેખાય છે. તસવીરમાં રણવીરે પુત્રીને ખોળામાં લીધી છે, જોકે તેનો ચહેરો દેખાતો નથી. બીજી તરફ, તસવીરમાં દુઆનો અડધો ચહેરો દેખાય છે.
દીપિકા અને રણવીરે 8 સપ્ટેમ્બર 2024ના રોજ તેમની પુત્રી દુઆના જન્મની જાણકારી આપી હતી. તે સમયે તેમણે લખ્યું હતું, 'વેલકમ બેબી ગર્લ. 8 સપ્ટેમ્બર 2024. દીપિકા અને રણવીર.' આ પહેલાં ફેબ્રુઆરી 2024માં દીપિકાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
બંનેની લવ સ્ટોરી 2013માં ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા'ના સેટ પરથી શરૂ થઈ હતી. ઘણા વર્ષો સુધી સંબંધમાં રહ્યા બાદ બંનેએ 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. દીપિકા અને રણવીરે દિવાળી 2025ના અવસરે પહેલીવાર દુનિયાને તેમની દીકરી દુઆનો ચહેરો બતાવ્યો હતો.
કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ફિલ્મ 'કિંગ'માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી તરફ, રણવીરની છેલ્લી બે ફિલ્મો 'ધુરંધર' અને 'ધુરંધર 2' છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. 'ધુરંધર'ના પહેલા ભાગે દુનિયાભરમાં 1307 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે તેની સિક્વલને પણ દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરતાં ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. સેકનિલ્ક મુજબ, ફિલ્મે ભારતમાં આશરે ₹1149 કરોડનું નેટ કલેક્શન અને દુનિયાભરમાં લગભગ ₹1813 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. ગ્રોસ કલેક્શન એટલે ટિકિટમાંથી થયેલી કુલ કમાણી અને નેટ કલેક્શન એટલે કર બાદની કમાણી.