ગાંધીનગર: બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા દીપક તિજોરીએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેમાં સૌથી મહત્વનો મુદ્દો ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં પૂરતી સ્ક્રીન ન મળવાનો હતો.
દીપક તિજોરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'ગમે તે હિસાબે ગુજરાતી ફિલ્મને એક સ્ક્રીન મળે' તેવી વ્યવસ્થા થવી જોઈએ, જેથી ગુજરાતી ફિલ્મો દર્શકો સુધી પહોંચી શકે અને નિર્માતાઓને તેમની કૃતિ રજૂ કરવાની યોગ્ય તક મળે. તેમણે નોંધ્યું કે ગુજરાતી ફિલ્મો દર્શકોનો સારો પ્રતિસાદ મેળવે છે, છતાં ઘણી વખત તેમને મર્યાદિત સ્ક્રીન મળે છે. વધુમાં, જ્યારે હિન્દી કે અન્ય ભાષાની મોટી ફિલ્મો આવે છે, ત્યારે ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાંથી હટાવી દેવામાં આવે છે. આને કારણે નિર્માતાઓ, કલાકારો અને સમગ્ર ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે.
આ સમસ્યાના ઉકેલ માટે દીપક તિજોરીએ મહારાષ્ટ્રના દાખલાનો ઉલ્લેખ કર્યો, જ્યાં સ્થાનિક ભાષાની ફિલ્મો માટે સ્ક્રીન ફાળવણીનો નિયમ છે. તેમણે ગુજરાતમાં પણ આવો જ નિયમ બનાવવાની માંગ કરી, જેથી થિયેટર માલિકોને પણ આર્થિક નુકસાન ન થાય અને ગુજરાતી ફિલ્મોને યોગ્ય પ્રમાણમાં સ્ક્રીન મળી શકે.
આ ઉપરાંત, તિજોરીએ ગુજરાતી ફિલ્મોના કન્ટેન્ટ અને પ્રોડક્શન ધોરણો ઉંચા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે મોટા બજેટનું રોકાણ અને મોટા પાયે ફિલ્મ નિર્માણથી ગુજરાતી સિનેમાની રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનશે. સરકાર તરફથી કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને સમગ્ર ઉદ્યોગને યોગ્ય સહકાર મળે તો આ શક્ય બની શકે તેવી રજૂઆત પણ તેમણે કરી.
મુખ્યમંત્રી કચેરી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. દીપક તિજોરીની આ મુલાકાત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હિતમાં રચનાત્મક પગલાંની દિશામાં મહત્વની માનવામાં આવે છે.