ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરના ત્રણ કિંમતી બેટ ચોરાઈ ગયા છે, જેની કિંમત દોઢ લાખ રૂપિયા હોવાનું તેમણે જાતે જણાવ્યું છે. આ ઘટના તેમના પિતા લોકેન્દ્ર ચહર દ્વારા સંચાલિત ક્રિકેટ એકેડમીમાં બની, જ્યાં દીપક પ્રેક્ટિસ કરવા ગયા હતા.
દીપકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, ગઈકાલે સાંજે પ્રેક્ટિસ દરમિયાન તેમની કીટમાંથી ત્રણ બેટ ગાયબ થઈ ગયા. તેમણે કીટ મૂક્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી હતી, અને એક કલાક પછી જ્યારે બેટિંગ માટે બેટ લેવા ગયા ત્યારે તે ગાયબ હતા. આ ચોરીથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
વીડિયોમાં દીપકે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, "ચોરને ખબર નહીં હોય કે આ બેટ કેટલા મોંઘા છે. ત્રણેય બેટની કિંમત દોઢ લાખ રૂપિયા છે. ચોર આ બેટ વેચી નાખશે અથવા ટેનિસ બોલથી રમશે. ભાઈ, મને કહ્યું હોત તો હું તને બેટ માટે પૈસા આપી દેત."
ચોરીની ઘટનાથી પરેશાન દીપકે મજાકમાં કહ્યું કે હવે તેમની પાસે ફરિયાદ નોંધાવવા માટે થોડા જ વિકલ્પો બચ્યા છે. "હું પોલીસ પાસે જઈ ફરિયાદ કરી શકું છું, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે અથવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઈ શકું છું. બાકી સીધા ભગવાન પાસે પ્રાર્થના કરી શકું છું કે, જેમણે મારા બેટની ચોરી કરી છે તે ચોરને બુદ્ધિ આપો," તેમણે વીડિયોમાં કહ્યું.
દીપક ચહર લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે અને ઇજાઓને કારણે ચર્ચામાં રહે છે. તેમણે ભારત માટે 13 વનડે મેચમાં 16 વિકેટ અને 25 આંતરરાષ્ટ્રીય મેચમાં 31 વિકેટ લીધી છે. તેમણે છેલ્લી વનડે ડિસેમ્બર 2022માં અને છેલ્લી ટી20 મેચ ડિસેમ્બર 2023માં રમી હતી. આઈપીએલમાં તે ગત સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો.