સત્ય. સાહસ. સંકલ્પ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન, ત્રણ દિવસમાં પક્ષે બે દિગ્ગજ ગુમાવ્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન, ત્રણ દિવસમાં પક્ષે બે દિગ્ગજ ગુમાવ્યા

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાત સહિત દેશભરના કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ છે. દીપક બાબરિયા રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિઓમાં ગણાતા હતા.

દીપક બાબરિયાએ કોંગ્રેસ પક્ષમાં અનેક મહત્વના અને જવાબદારીપૂર્ણ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હીના પ્રભારી તરીકે રહ્યા હતા. તેમના પ્રભારી તરીકેના કાર્યકાળ દરમિયાન જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી. તેમની સંગઠનાત્મક કુશળતા અને વ્યૂહરચનાની પક્ષમાં પ્રશંસા થતી હતી.

છેલ્લા ત્રણ દિવસ કોંગ્રેસ માટે દુઃખદ રહ્યા છે. બે દિવસ પહેલા જ અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું નિધન થયું હતું. વીરજી ઠુમ્મરના આઘાતમાંથી પક્ષ બહાર આવે તે પહેલા જ દીપક બાબરિયાનું નિધન થતાં કોંગ્રેસે ટૂંકા સમયમાં બે મોટા નેતા ગુમાવ્યા છે.

દીપક બાબરિયાના અવસાન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. હિંમતસિંહ પટેલે કહ્યું કે, દીપક બાબરિયાના જવાથી કોંગ્રેસ પક્ષને કદી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.

ડો. તુષાર ચૌધરીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, દીપક બાબરિયા હંમેશા સામાન્ય માણસના પ્રશ્નોને વાચા આપવા દિલ્હી સુધી લડતા રહ્યા હતા અને લોકોને ન્યાય અપાવવા માટે સતત સંઘર્ષ કરતા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસના ભૂતપૂર્વ મહાસચિવ અને વરિષ્ઠ નેતા દીપક બાબરિયાના નિધન પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. સંગઠન પ્રત્યેનું તેમનું સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવાર અને કોંગ્રેસ પક્ષના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના.