સત્ય. સાહસ. સંકલ્પ.

અભિનેત્રી દેબિના બેનર્જીએ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો: ડિરેક્ટરે રાત્રે ગાડી રોકીને કરી ખરાબ માંગ

અભિનેત્રી દેબિના બેનર્જીએ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો: ડિરેક્ટરે રાત્રે ગાડી રોકીને કરી ખરાબ માંગ

બોલિવૂડ અને ટેલિવિઝન જગતમાં કાસ્ટિંગ કાઉચ જેવી સમસ્યા નવી નથી. ઘણા કલાકારોએ પોતાના અનુભવો જાહેર કર્યા છે. તાજેતરમાં જાણીતી અભિનેત્રી દેબિના બેનર્જીએ પોતાની કારકિર્દીની શરૂઆતના દિવસોનો એક ભયાનક અનુભવ શેર કર્યો છે, જ્યારે તે સાઉથ ફિલ્મોમાં કામ કરતી હતી.

દેબિનાએ મનીષા રાણીના પોડકાસ્ટમાં જણાવ્યું કે, એક ડિરેક્ટરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે સમયે દેબિના ખૂબ નાની હતી અને તેને સમજ નહોતી કે ડિરેક્ટરને ના પણ પાડી શકાય છે. ડિરેક્ટરે તેને પૂછ્યું, “સાંજે શું કરી રહી છે… મારી સાથે ચાલ.”

દેબિનાએ કહ્યું કે, તેને આ વાત નકારાત્મક લાગી, પણ તે ના પાડી શકે તેવી સ્થિતિમાં નહોતી. સાંજે તેઓ ડ્રાઇવ પર ગયા અને ડિરેક્ટરે અંધારામાં કાર રોકી દીધી. દેબિનાએ જણાવ્યું, “હું ખૂબ ગભરાઈ ગઈ હતી. મને થયું કે હું ક્યાં આવી ગઈ અંધારામાં… જો આણે મને એક ઘૂસો પણ મારી દીધો તો હું મરી જઈશ નહીં! પછી ધ્રૂજતા અવાજે મેં કહ્યું કે, હું કમ્ફર્ટેબલ નથી.”

દેબિનાએ જણાવ્યું કે, તેમના જીવનમાં ગુરમીતના આગમન પછી તેમને સમજાયું કે તેમનો સેફ ઝોન કોણ છે. આ ઘટના તેમની સાથે ત્યારે બની હતી જ્યારે તેઓ સાઉથ ફિલ્મોમાં કામ કરતા હતા. ટેલિવિઝનમાં પ્રવેશતા પહેલા દેબિનાએ સાઉથ ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, તેમને ઓળખ સિરિયલ ‘રામાયણ’માં માતા સીતાના પાત્ર ભજવવાથી મળી.

આ ઘટના દર્શાવે છે કે, નવા કલાકારોને આજે પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાહેરમાં આવી વાત કરવાથી પીડિતોને હિંમત મળે છે અને ઉદ્યોગમાં જવાબદારી વધે છે.