સત્ય. સાહસ. સંકલ્પ.

પોપ્યુલર બિલ્ડર્સના દશરથ પટેલને જામીન નહીં: 9 ફરિયાદ, 4 વર્ષથી ફરાર

પોપ્યુલર બિલ્ડર્સના દશરથ પટેલને જામીન નહીં: 9 ફરિયાદ, 4 વર્ષથી ફરાર

ગુજરાત હાઈકોર્ટે પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલના ભાઈ દશરથ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. દશરથ પટેલે પોતાના ભાઈ સાથે સમાનતા દર્શાવીને જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ગ્રાહ્ય નથી રાખી.

જસ્ટિસ નિર્ઝર દેસાઈએ અવલોકન કર્યું કે આરોપી દશરથ પટેલ સામે બનાવટી દસ્તાવેજો બનાવીને જમીન હડપવાની કુલ 9 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમાં મોટા ભાગના કેસ લેન્ડ ગ્રેબિંગ સંબંધિત છે. આરોપી 4 વર્ષથી વધુ સમયથી નાસતો ફરતો હતો અને કોર્ટે આપેલી રાહતનો દુરુપયોગ કર્યો હતો, જેના કારણે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવું પડ્યું હતું.

દશરથ પટેલની 70 વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને જામીન આપવાની રજૂઆત પણ હાઈકોર્ટે ફગાવી દીધી. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે આરોપીએ 2004થી 2024 દરમિયાન જમીનના મૂળ માલિકોને ધમકી આપીને હેરાન કર્યા છે અને સાક્ષીઓને ફોડવાનો પ્રયાસ કર્યો છે. ઉચ્ચ લાગવગ ધરાવતો આરોપી સાક્ષીઓ અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે, તેથી ઉંમરને કારણે ઉદારતા દાખવી શકાય નહીં.

સુનાવણીમાં સરકારી વકીલોએ જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીને દશરથ પટેલના ગંભીર ગુનાઓને ધ્યાનમાં રાખીને જામીન ન આપવા દલીલ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટર હાર્દિક દવેએ પણ કહ્યું કે આરોપી સામે અનેક ગંભીર ગુના હોવાથી તેને કોઈપણ સંજોગોમાં જામીન મળવાપાત્ર નથી.

ઉલ્લેખનીય છે કે દશરથ પટેલ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની કિંમતી જમીન હડપવાનો ગુનો નોંધાયેલો છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એપ્રિલ 2026માં સાણંદના ગોધાવી વિસ્તારના જમીન કૌભાંડમાં લાંબા સમયથી વોન્ટેડ દશરથ પટેલની રાજસ્થાનના નાથદ્વારાથી ધરપકડ કરી હતી.