સત્ય. સાહસ. સંકલ્પ.

દરિયાપુર જુગારધામ કેસ: મુખ્ય સૂત્રધાર ગામા સહિત 6 આરોપીઓ પાસા હેઠળ જેલમાં

દરિયાપુર જુગારધામ કેસ: મુખ્ય સૂત્રધાર ગામા સહિત 6 આરોપીઓ પાસા હેઠળ જેલમાં

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચર્ચિત મનપસંદ જીમખાનામાંથી ગત 3 ઓગસ્ટે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ના દરોડામાં 180થી વધુ જુગારીઓ ઝડપાયા હતા. ત્યારબાદ PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ આ કેસમાં આકરી કાર્યવાહી કરતાં મુખ્ય સૂત્રધાર ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ કમિશનરના આદેશથી આ તમામ આરોપીઓ સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરીને તેમને અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા છે. આરોપીઓમાં ગોવિંદ પટેલ (ઉંમર 55, રહે. દરિયાપુર), કિશોર પઢીયાર અને વિપુલ શાહ (બંને ચાંદલોડિયા), નારાયણ રાવલ (ખોખરા), આનંદ ઠાકોર (વેજલપુર) અને નિકુંજ ઉર્ફે કાલુ ખત્રી (દરિયાપુર)નો સમાવેશ થાય છે. તેમને રાજકોટ, વડોદરા, ભુજ અને સુરતની જેલમાં મોકલાયા છે.

આ પહેલા ઓગસ્ટમાં SMCના દરોડા બાદ પોલીસવડાએ સ્થાનિક PI અને 2 PSIને સસ્પેન્ડ કર્યા હતા, કારણ કે આ જીમખાનામાં અગાઉ પણ જુગારધામ પકડાયું હોવા છતાં સ્થાનિક પોલીસે કડક કાર્યવાહી કરી ન હતી. હવે આ કેસમાં સર્વેલન્સ સ્ક્વોડ અને પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. વધુ તપાસ ચાલુ છે.