ડાંગ જિલ્લામાં આહવા-વઘઈ રોડ પર ભવડી ગામ નજીક ઢાઢરા ફાટક પાસે એક ગંભીર અકસ્માત થયો છે. એક કાર રસ્તાની રેલિંગ તોડીને આશરે ૩૫ ફૂટ ઊંડી ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણમાંથી નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિના મોત થયા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થયા છે.
ડાંગના ડેપ્યુટી એસપી ડી. કે. ડીમરીએ જણાવ્યું કે, વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત બન્યો છે. કાર ચાલક સંદીપ એમ. ડામોર નર્મદા કલ્પતરુ વિભાગમાં ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. બીજા સોનુ બી. બારિયા આણંદ ખાતે નાયબ મામલતદાર છે. ત્રીજા શૈલેષકુમાર ડી. ગરાસિયા ગળકુંદ ખાતે એમપીએચડબલ્યુ (MPHW) તરીકે ફરજ બજાવતા હતા. ત્રણેય મિત્રો ગાંધીનગરથી આહવા તરફ આવી રહ્યા હતા.
અકસ્માતમાં સંદીપ ડામોર અને શૈલેષ ગરાસિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સોનુ બારિયાને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર નદીમાં ખાબકી હતી. વઘઈ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સંદીપ ડામોર અગાઉ આહવા ખાતે જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે શૈલેષ ગરાસિયા અગાઉ વઘઈ ખાતે એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવતા હતા.