દમણના છપલી શેરી દરિયામાં શુક્રવારે સાંજે ચાર પર્યટકો ડૂબવા લાગ્યા હતા. પ્રશાસને ચોમાસા દરમિયાન દરિયામાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં આ લોકો નાહવા પડ્યા હતા.
દરિયામાં ઊંડા પાણીમાં તેઓ ડૂબવા લાગતાં ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. કિનારે તૈનાત લાઈફગાર્ડ જતિન માંગેલા અને તેમની ટીમે તરત જ દરિયામાં છલાંગ લગાવી હતી. જીવના જોખમે કરેલા પ્રયાસોથી ચારેય પર્યટકોને સહીસલામત કિનારે લાવવામાં આવ્યા હતા.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લાઈફગાર્ડ્સની બહાદુરી જોવા મળે છે. દમણના દરિયામાં ચોમાસા દરમિયાન તીવ્ર કરંટ અને ઊંચા મોજાં હોય છે, તેથી પ્રશાસને પ્રતિબંધ લાદ્યો છે. છતાં અનેક પર્યટકો નિયમોનો ભંગ કરીને જોખમ ઉઠાવે છે. અગાઉ પણ આવી ત્રણ-ચાર ઘટનાઓ બની ચૂકી છે, જેમાં લોકો બચી ગયા હતા.
પ્રશાસને પર્યટકોને અપીલ કરી છે કે તેઓ સૂચનાઓનું પાલન કરે અને પોતાના જીવને જોખમમાં ન મૂકે. મનાઈ છતાં દરિયામાં ઊતરવું એ જીવ સાથે રમત રમવા સમાન છે.