દમણના સી ફેજ જેટી નજીક ગુરુવારે એક પરપ્રાંતિય પરિવારના સાત સભ્યો, જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે, દરિયામાં દેખાતા ટાઇડલ આઇલેન્ડ (ટાપુ) પર ફરવા ગયા હતા. ત્યારે અચાનક ભરતીનું પાણી ફરી વળતાં તેઓ ટાપુ પર ફસાઈ ગયા હતા. જોકે, તેઓએ જીવના જોખમે દરિયાના પાણીમાંથી પસાર થઈને કિનારે પહોંચી જતાં મોટી હોનારત ટળી હતી.
બનાવની વિગત મુજબ, ગુરુવારે દમણના સી ફેજ જેટી પર પરિવારના સભ્યો ફરવા આવ્યા હતા. ઓટના સમયે દરિયામાં ટાપુ દેખાતાં તમામ સભ્યો પગપાળા ત્યાં પહોંચી ગયા અને મોજમસ્તીમાં લાગી ગયા. એટલામાં દરિયામાં ભરતીનું પાણી ચારેબાજુ ફરી વળ્યું અને પરિવારના સભ્યો ટાપુ પર ફસાઈ ગયા. પાણી વધતાં તેમની પાસે મદદનો કોઈ વિકલ્પ ન હતો.
આખરે પરિવારે દરિયાના ઊંડા પાણીમાંથી પસાર થઈને કિનારે પહોંચવાનો નિર્ણય કર્યો. કિનારે ઊભેલા અન્ય પર્યટકો ચિંતાથી જોઈ રહ્યા હતા. સદનસીબે, તમામ સાત સભ્યો સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગયા.
આ ઘટના દર્શાવે છે કે મોજમસ્તી અને સેલ્ફીના લોભમાં લોકો ભરતી વખતે ટાપુ પર જવાનું જોખમ લે છે. સ્થાનિક વહીવટીતંત્રે આવા બેજવાબદાર પર્યટકો સામે કડક પગલાં લેવા જોઈએ અને જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ લગાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.