દમણ પ્રશાસને માર્ગ સલામતી માટે 'થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા' કાર્યક્રમ યોજ્યો હતો. ટ્રાન્સપોર્ટ નગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 350 એસયુવી માલિકો અને ચાલકોએ સુરક્ષિત અને જવાબદાર ડ્રાઇવિંગના શપથ લીધા હતા.
દમણમાં હાલ 209 થાર અને 248 ફોર્ચ્યુનર ગાડીઓ નોંધાયેલી છે. કાર્યક્રમમાં કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રા અને પોલીસ અધિક્ષક કેતન બંસલ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ ચાલકોને કહ્યું કે રસ્તા પર વાહન ચલાવવું માત્ર વ્યક્તિગત સગવડ નથી, પણ સામાજિક જવાબદારી છે. તેમણે કહ્યું કે મોંઘી અને શક્તિશાળી ગાડીઓ જોઈને સામાન્ય લોકો કે પ્રવાસીઓને સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ, ડર નહીં. ગાડીની સાચી તાકાત પૂરપાટ ઝડપ કે સ્ટંટમાં નહીં, ડ્રાઇવરના જવાબદાર વર્તનમાં દેખાવી જોઈએ.
પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાન અંગે ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે જણાવ્યું કે આ વાહનોનો દુરુપયોગ કરીને રસ્તા પર 'ભાઈગીરી' કે 'માફિયાગીરી' કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. બહારથી આવતા પ્રવાસીઓ અને સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવતા જોખમી સ્ટંટ રોકવા માટે પ્રશાસને કડક કાનૂની કાર્યવાહીની તૈયારી કરી લીધી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત વાહન માલિકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માતની સ્થિતિમાં પીડિતોને મદદ કરવાના શપથ લીધા હતા. તેમણે કોઈપણ પ્રકારની અનૈતિક કે અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ ન થવાનો પણ સંકલ્પ કર્યો હતો. 'રફતાર નહીં, સંસ્કાર'ના મૂળ મંત્ર સાથે શરૂ થયેલા આ અભિયાનને દમણના માર્ગો પરથી ખોટી 'હીરોગીરી' દૂર કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.