દમણ અને દીવને ડેસ્ટિનેશન વેડિંગ હબ તરીકે વિકસાવવાના ઉદ્દેશથી પ્રશાસને MSME સેવા પ્રદાતાઓ માટે નવી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ, હોટેલ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતના 25 MSME એકમોને ગ્રાહકો પાસેથી વસૂલાયેલા GSTમાંથી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું રિઇમ્બર્સમેન્ટ 2 વર્ષ માટે મળશે. આનો લાભ દંપતીના મૂળ રહેઠાણથી અલગ સ્થળે યોજાતાં લગ્નોને મળશે.
પ્રશાસનની આ મહત્ત્વાકાંક્ષી યોજના દમણ-દીવને વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકાવવા અને ડેસ્ટિનેશન વેડિંગનું મોટું કેન્દ્ર બનાવવાના હેતુથી લાગુ કરવામાં આવી છે. જે હેઠળ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા GSTમાંથી વાર્ષિક રૂ. 5 લાખ સુધીની રકમ પ્રશાસન દ્વારા રિઇમ્બર્સ (ભરપાઈ) કરી આપવામાં આવશે. આ સહાય સતત બે નાણાકીય વર્ષ સુધી મેળવી શકાશે.
કયા સર્વિસ પ્રોવાઇડરોને મળશે લાભ?
સ્થાનિક ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાના આયોજન સાથે શરૂ કરાયેલી આ યોજનાનો લાભ હોટેલો, રિસોર્ટ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ડેકોરેશન, ફોટોગ્રાફી તેમજ ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂરી પાડતા MSME એકમોને મળશે.
યોજનાના મુખ્ય નિયમો અને મર્યાદાઓ
મહત્તમ સહાય: સર્વિસ પ્રોવાઇડરોને ચૂકવવામાં આવેલા વાસ્તવિક GST અથવા વધુમાં વધુ રૂ. 5 લાખ (બેમાંથી જે ઓછું હોય તે) રકમની ભરપાઈ કરાશે.
વહેલા તે પહેલા: યોજના હેઠળ પ્રથમ આવનાર 25 MSME એકમોને જ આ લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નોન-કોમર્શિયલ સ્થળો અમાન્ય: માત્ર માન્ય અને કોમર્શિયલ સ્થળોએ યોજાયેલા લગ્ન આ યોજનામાં માન્ય ગણાશે.
જોડિયા દસ્તાવેજો: લાભ મેળવનાર સર્વિસ પ્રોવાઇડર પાસે ઉદ્યમ રજિસ્ટ્રેશન અને GST રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે. ઉપરાંત, માન્ય GST બિલ, બુકિંગ કન્ફર્મેશન અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે.
શું છે ‘ડેસ્ટિનેશન વેડિંગ’ની શરત?
આ સ્કીમનો લાભ મેળવવા માટે લગ્નનું સ્થળ દંપતીના મૂળ રહેઠાણના સ્થળથી અલગ શહેર, રાજ્ય કે દેશમાં હોવું જરૂરી છે. પોતાના ઘર, નિવાસસ્થાન કે પરિવારની જમીન/મિલકતમાં યોજાયેલા સામાન્ય લગ્ન આ યોજનામાં પાત્ર ગણાશે નહીં.
ખોટી માહિતી આપનાર સામે કડક કાર્યવાહી
જો કોઈ સર્વિસ પ્રોવાઇડર ખોટી માહિતી કે બોગસ દસ્તાવેજો રજૂ કરીને સહાય મેળવવાનો પ્રયાસ કરશે, તો પ્રશાસન દ્વારા આપવામાં આવેલી રકમ 8 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત વસૂલવામાં આવશે. સાથોસાથ કાનૂની કાર્યવાહી કરીને ભવિષ્યની તમામ સરકારી પ્રોત્સાહક યોજનાઓમાંથી કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
મહત્ત્વની સ્પષ્ટતા: લગ્ન કરનાર પરિવારને સીધો લાભ નહીં
આ યોજના લગ્ન કરાવનાર પરિવારને સીધી રોકડ કે GST પરત આપતી યોજના નથી, પરંતુ દમણ-દીવમાં સેવા આપતા પાત્ર MSME સર્વિસ પ્રોવાઇડર સાથે જોડાયેલી છે. આથી, લગ્નનું સ્થળ પસંદ કરતી વખતે સરકાર પાસેથી સીધા રૂ. 5 લાખ મળશે તેવી ગેરસમજ ન રાખવી. તમામ પાત્રતા અને શરતો પૂર્ણ કરવી અનિવાર્ય છે.