ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગરમાં યોજાયેલા 'કુંજાપુરી મેળા' દરમિયાન નવરાત્રિના એક કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદી પરફોર્મ કરવા આવ્યા હતા. ત્યારે કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે તેમની કથિત નશાની હાલત સામે વાંધો ઉઠાવ્યો હતો.
મંત્રીએ સ્ટેજ પર જઈને ગાયકને ઠપકો આપતા કહ્યું, “તમારાથી બરાબર બોલાતું પણ નથી, તો ગાશો કેવી રીતે?” તેમણે કાર્યક્રમ અટકાવી દીધો અને જણાવ્યું કે આ આયોજન દેવી દુર્ગાની આરાધના માટે છે, તેથી ધાર્મિક પ્રસંગોએ કલાકારોએ મર્યાદા જાળવવી જોઈએ.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મંત્રી ઉનિયાલ દલેર મહેંદીને ઠપકો આપતા જોવા મળે છે. મંત્રીએ 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું કે દલેર મહેંદી જાણીતા કલાકાર છે, તેમ છતાં તેઓ નશાની હાલતમાં કાર્યક્રમમાં પહોંચ્યા અને મંચ પર યોગ્ય રીતે ગાઈ શક્યા નહીં. ગાયકને પ્રસ્તુતિ માટે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને મુસાફરી ખર્ચની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ મંત્રીએ ઉમેર્યું.