સત્ય. સાહસ. સંકલ્પ.

કુંજાપુરી મેળામાં દલેર મહેંદી પર મંત્રીની ફિટકાર, ચાહકોમાં રોષ

કુંજાપુરી મેળામાં દલેર મહેંદી પર મંત્રીની ફિટકાર, ચાહકોમાં રોષ

ઉત્તરાખંડના ટીહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં આયોજિત પ્રખ્યાત 'કુંજાપુરી મેળા'માં પંજાબી ગાયક દલેર મહેંદીની પરફોર્મન્સ દરમિયાન એક ઘટના સામે આવી છે. મેળામાં મનોરંજન માટે આવેલા દલેર મહેંદી જ્યારે ગીત ગાઈ રહ્યા હતા, ત્યારે તેમનો અવાજ થોડો લથડ્યો હતો. આ જોઈને ભાજપના નેતા અને ઉત્તરાખંડ સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ સ્ટેજ પર ચઢી આવ્યા હતા અને તેમણે ગાયક પર દારૂના નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

મંત્રીએ માઈક હાથમાં લઈને કહ્યું કે, "અહીં મા દુર્ગાની આરાધના અને નવરાત્રિનું ધાર્મિક આયોજન ચાલે છે. આવા પવિત્ર અવસરે દારૂના નશામાં કાર્યક્રમ પ્રસ્તુત કરવો યોગ્ય નથી." તેમણે વધુમાં કહ્યું, "તમારાથી બોલાતું તો છે નહીં, ગાશો શું? અમે તમને એટલા બધા પૈસા આપીને એટલા માટે બોલાવ્યા કે લોકોનું મનોરંજન થાય, પણ તમે લોકોને બેવકૂફ બનાવી રહ્યા છો."

મંત્રીના આ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. દલેર મહેંદીના ચાહકોએ મંત્રીના વર્તન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું કે, "દલેર મહેંદી દાયકાઓથી દિગ્ગજ કલાકાર રહ્યા છે. તેમની તબિયત ખરાબ હોઈ શકે છે, પરંતુ આ રીતે સરેઆમ અપમાન કરવું અશોભનીય છે." બીજા એક નજીકના પરિચિતે દાવો કર્યો કે, "દલેર ભાઈ ક્યારેય દારૂ પીતા નથી. તે ક્ષણે તેમની તબિયત સારી નહોતી છતાં તેઓ લોકો માટે પરફોર્મ કરી રહ્યા હતા."

આ સમગ્ર વિવાદ દરમિયાન દલેર મહેંદીએ શાંતિ જાળવી રાખી હતી અને પોતાની પરફોર્મન્સ દરમિયાન થયેલી ઘટનાને લઈને કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપી નહોતી. બાદમાં તેમણે મંત્રીને મંચ પરથી નીચે ઉતરી જવા માટે કહ્યું હતું. સોશિયલ મીડિયા પર દલેર મહેંદીના આ શાંત અને સંયમી સ્વભાવની પણ ભારે પ્રશંસા થઈ રહી છે.