સત્ય. સાહસ. સંકલ્પ.

ડાકોરમાં રખડતી ગાયનો હુમલો: વૃદ્ધા ઘાયલ, પરિવારે નગરપાલિકાને કાનૂની નોટિસ મોકલી

ડાકોરમાં રખડતી ગાયનો હુમલો: વૃદ્ધા ઘાયલ, પરિવારે નગરપાલિકાને કાનૂની નોટિસ મોકલી

ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ગઈકાલે બપોરે ગાયત્રી મંદિર રોડ પર અનસૂયાબેન ચૌહાણ નામના વૃદ્ધા પર એક રખડતી ગાયે અચાનક હુમલો કર્યો. આ હુમલામાં વૃદ્ધાને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના CCTV ફૂટેજમાં લોકોએ વૃદ્ધાને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાય રોકાઈ નહીં.

અનસૂયાબેન ગઈકાલે બપોરે પોતાના ઘરેથી મંદિર તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તા પર અચાનક આવી પહોંચેલી રખડતી ગાયે તેમને નિશાન બનાવ્યા. ગાયે શિંગડું ઉગામીને સીધો હુમલો કરતા વૃદ્ધા રોડ પર પટકાઈ પડ્યા. વૃદ્ધા નીચે પડી જતાં જ ગાયે તેમના પર હુમલો ચાલુ રાખ્યો અને શિંગડા મારવા લાગી.

આ ઘટના બની ત્યારે આસપાસમાંથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકો તુરંત જ વૃદ્ધાને બચાવવા દોડી આવ્યા. જોકે, તે સમયે ઘટનાસ્થળે કોઈના હાથમાં લાકડું કે અન્ય સાધન ન હોવાથી ગાયને તુરંત ભગાડી શકાઈ નહીં. ગાયના સળંગ હુમલાને કારણે મહિલાને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઘા વાગ્યા. એક વ્યક્તિએ દોડીને ગાયના શિંગડા પકડી લીધા હતા.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અનસૂયાબેનને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તબીબી તપાસ દરમિયાન મહિલાના હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું બહાર આવ્યું. સારવાર દરમિયાન સીટી સ્કેન કરાવતી વખતે પણ કડવો અનુભવ થયો હોવાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો છે.

આ ઘટનાથી ઈજાગ્રસ્ત વૃદ્ધાના સ્વજનોમાં ભારે રોષ છે. પરિવારે રખડતા ઢોરના આતંક સામે કડક વલણ અપનાવીને ડાકોર નગરપાલિકાને વિધિવત્ કાનૂની નોટિસ પાઠવી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનો આરોપ પણ પરિવારજનોએ લગાવ્યો છે.

ડાકોરમાં લાંબા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અનુભવાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને યાત્રાળુઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ હુમલા અને નગરપાલિકા સામે લેવાયેલા કાનૂની પગલાંને કારણે સમગ્ર ડાકોર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.