સત્ય. સાહસ. સંકલ્પ.

ડાકોરમાં 700 વર્ષ જૂની પરંપરા: રણછોડરાયજીના મહાપ્રસાદની ભક્તોએ લૂંટ લીધી, હજારો ભક્તો ઉમટ્યા

ડાકોરમાં 700 વર્ષ જૂની પરંપરા: રણછોડરાયજીના મહાપ્રસાદની ભક્તોએ લૂંટ લીધી, હજારો ભક્તો ઉમટ્યા

ખેડા જિલ્લાના ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે બેસતા વર્ષ નિમિત્તે અન્નકૂટનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ઠાકોરજીને વિવિધ ભોગ ધરાવ્યા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તોએ ભારે ઉત્સાહ સાથે મહાપ્રસાદની લૂંટ ચલાવી હતી.

આ દિવ્ય અન્નકૂટ તૈયાર કરવા માટે 20 જેટલા રસોઇયાઓએ 24 કલાક સુધી સતત 5 વિશાળ ચૂલા પર કામ કર્યું હતું. જેમાં 11 મણ ચોખા, 35 ડબ્બા ઘી, 35 મણ બેસન અને 1 મણ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરાયો હતો. બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળભોગ, રાજભોગ અને સુખડી ભોગ સહિતના મિષ્ટાન્ન ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવ્યા હતા.

છેલ્લા આશરે 700 વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર, ડાકોર અને આસપાસના 75થી 85 ગામોના વૈષ્ણવ ભક્તો તેમજ આદિવાસી સમાજના લોકોને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આમંત્રણ અપાય છે. બપોરે મહાઆરતી અને ભોગ ધરાવ્યા બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. હજારો ભક્તોએ ‘જય રણછોડ, માખણચોર’ના નારા લગાવી પ્રસાદ લૂંટ્યો હતો. એવી લોકમાન્યતા છે કે આ લૂંટેલો પવિત્ર પ્રસાદ ઘરમાં રાખવાથી વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.