સત્ય. સાહસ. સંકલ્પ.

ડાકોરમાં 151 મણનો અન્નકૂટ ઉત્સવ: 80 ગામના ભક્તોએ પ્રસાદી લૂંટી

ડાકોરમાં 151 મણનો અન્નકૂટ ઉત્સવ: 80 ગામના ભક્તોએ પ્રસાદી લૂંટી

ડાકોરના રણછોડરાય મંદિરમાં નૂતન વર્ષની ઉજવણી પરંપરાગત અન્નકૂટ ઉત્સવ સાથે કરવામાં આવી હતી. દિવાળીના બીજા દિવસે યોજાયેલા આ ઉત્સવમાં ભગવાન રાજા રણછોડરાય સમક્ષ 151 મણનો વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે મંદિરોમાં અન્નકૂટ ધરાવીને ભક્તોમાં પ્રસાદ વહેંચવામાં આવે છે, પરંતુ ડાકોરમાં એક અલગ પરંપરા છે. મંદિર પ્રશાસન દ્વારા આસપાસના 80 જેટલા ગામોના લોકોને આ પ્રસાદી લૂંટવા માટે અગાઉથી સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ગ્રામજનો પોતાનો હક સમજીને હોંશે હોંશે પ્રસાદી લૂંટે છે.

વહેલી સવારે ભગવાનની મંગળા આરતી બાદ તેમને કેસર સ્નાન કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિધિવત રીતે ગોવર્ધન પર્વતની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

બપોરના સમયે મુખ્ય મંદિર બંધ કરીને સેવકો દ્વારા ભગવાનની સન્મુખ બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને પરંપરાગત રાજભોગ સહિતનો 151 મણનો અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. ભોગ ધરાવ્યા બાદ જેવા મંદિરના નિજ દ્વાર ખોલવામાં આવ્યા, કે તરત જ ઉત્સુકતાથી રાહ જોઈ રહેલા ગ્રામજનો અન્નકૂટ પર તૂટી પડ્યા હતા અને પોતાનો હક સમજીને પ્રસાદી લૂંટી હતી. ભક્તો આ પ્રસાદી પોતાના ઘરે લઈ જવાની સાથે રસ્તામાં મળતા સગા-સંબંધીઓ અને અન્ય શ્રદ્ધાળુઓને પણ વહેંચે છે.

મંદિરના સેવા પૂજારી લાલાભાઈએ જણાવ્યું હતું કે, ગોવર્ધન પૂજામાં એવી માન્યતા છે કે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને ઇન્દ્રદેવની પૂજા ન કરવા કહ્યું હતું. ત્યારે ઇન્દ્ર ભગવાને અતિવૃષ્ટિ કરી હતી, જેથી શ્રીકૃષ્ણએ તેમની તર્જની આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. ત્યારથી ગોવર્ધન પૂજા અને ગૌમાતાનું પૂજન કરવાની પરંપરા ચાલી આવે છે અને તે વખતે અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે.

ડાકોર મંદિરમાં સવા સો મણ પ્રસાદ ધરાવવામાં આવે છે અને જે સમુદાયને વર્ષોથી મંદિર તરફથી આ અધિકાર પ્રાપ્ત છે તેમને આમંત્રણ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ક્ષત્રિય સમાજનો આ અધિકાર છે, કારણ કે તેઓ ખેતીવાડી કરીને મંદિરમાં અનાજ પધરાવે છે. તેઓ અધિકારપૂર્વક પ્રસાદી લેવા આવે છે અને ભગવાનની પ્રસાદી ધારણ કરી સૌ ભક્તજનોને આપે છે. આ પરંપરા દ્વાપર યુગથી ચાલતી આવે છે, જેનો મહિમા ડાકોરમાં સવિશેષ છે.

આ આખી પરંપરા દરમિયાન સમગ્ર ડાકોરધામ રાજા રણછોડરાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ અનોખા ઉત્સવના દર્શન અને પ્રસાદ પ્રાપ્ત કરવા માટે દૂર-દૂરથી લાખો ભક્તો ડાકોર ખાતે ઉમટી પડ્યા હતા.