આજકાલ ફિટનેસ અને કસરત કરનારા લોકોમાં 'પ્રોટીન' ચર્ચાનો મોટો વિષય બની ગયો છે. જીમમાં જતા લોકોથી લઈને વજન ઘટાડવા માંગતા લોકો સુધી, ઘણા લોકો પ્રોટીન પાઉડર અને શેક જેવા સપ્લીમેન્ટ્સ લેવાની સલાહ આપે છે. પણ શું ખરેખર દરરોજ અલગથી પ્રોટીન સપ્લીમેન્ટ લેવાની જરૂર હોય છે? કે આ માત્ર એક ટ્રેન્ડ છે?
હૃદય રોગના નિષ્ણાતના જણાવ્યા અનુસાર, પ્રોટીન શરીર માટે જરૂરી છે. પણ માત્ર એટલા માટે પ્રોટીન શેક પીવાનું શરૂ કરવું જોઈએ નહીં કે જીમમાં કોઈએ કહ્યું છે. મોટાભાગના સ્વસ્થ લોકોને રોજિંદી પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રોટીન શેકની જરૂર હોતી નથી.
એક સ્વસ્થ વ્યક્તિને પોતાના શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ લગભગ 0.8 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. જો તમે ખૂબ કસરત કરો છો, તમારી ઉંમર વધી રહી છે, તમે ગર્ભવતી છો અથવા કોઈ ખાસ જરૂરિયાત છે, તો વધુ પ્રોટીનની જરૂર પડી શકે છે. પણ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે સંતુલિત આહારમાંથી પૂરતું પ્રોટીન મળી જાય છે.
વધુ પ્રોટીન ખાવાથી શરીર પર વધારાનું દબાણ પડી શકે છે. પ્રોટીનના પાચન અને ચયાપચય દરમિયાન કેટલાક પદાર્થો બને છે, જેને કિડની ફિલ્ટર કરીને બહાર કાઢે છે. જરૂર વગર વધુ પ્રોટીન લેવાથી કિડની પર બોજ વધે છે. આ ઉપરાંત, વધુ પ્રોટીન લેવાથી મસલ્સ આપોઆપ વધી જાય છે એવું નથી. આહારમાં 20 થી 30 ગ્રામ સારી ક્વોલિટીનું પ્રોટીન અવારનવાર લેવું મસલ્સ માટે પૂરતું છે.
વધુ પ્રોટીન લેવાથી સંવેદનશીલ લોકોમાં ડીહાઈડ્રેશન, કિડનીમાં પથરી અને કેટલીકવાર સંધિવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પ્રોટીન શેક લેતા હોવ તો તેમાં રહેલા ઘટકો પર ધ્યાન આપો. ઘણા પેક્ડ શેકમાં મીઠાશ, સ્વાદ વધારનારા પદાર્થો, સ્ટેબિલાઈઝર અને અન્ય એડિટિવ્સ હોઈ શકે છે.
આહારમાં કુદરતી રીતે પ્રોટીન વધારવા માટે નોન-વેજ ખાતા હોવ તો ઈંડા, ચિકન, માછલી, સી ફૂડ અને લો ફેટ મીટ ખાઈ શકાય. શાકાહારી લોકો દાળ, પનીર, ટોફૂ, ટેમ્પેહ, દહીં, ગ્રીક યોગર્ટ, બીન્સ, ચણા, મસૂર, સૂકો મેવો, બીજ અને બાજરો ખાઈ શકે છે. આ બધા પ્રોટીનના સારા સ્રોત છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.