દાહોદ નજીક સતી તોરલ હોટલ પાસે હાઈવે પર ક્રૂઝર, ઈકો કાર અને બાઈક વચ્ચે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રણેય વાહનો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી.
મૃતકોની વિગતો નીચે મુજબ છે:
- પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોર - ઉંમર 40 વર્ષ, રહે. પાવડી, ક્રુઝર ચાલક
- સાગર ચંદ્રસિંહ ડામોર - ઉંમર 28 વર્ષ, રહે. મુવાલિયા, ઈકો ચાલક
- મિલન ભુરીયા - ઉંમર 20 વર્ષ, રહે. છાપરી - બાઈક ચાલક
મૃતકોમાં ઈકો ચાલક સાગર ચંદ્રસિંહ ડામોર આર્મી જવાન હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર યોગશ ભૂરિયા નામનો 15 વર્ષનો કિશોર ઈજાગ્રસ્ત થયો છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેયનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ત્રિપલ અકસ્માતની આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળનું કારણ શું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે.