સત્ય. સાહસ. સંકલ્પ.

દાહોદ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ બેલેન્સ ન હોવાથી કારચાલકે કર્મચારીને ટક્કર મારી, એક ઘાયલ

દાહોદ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ બેલેન્સ ન હોવાથી કારચાલકે કર્મચારીને ટક્કર મારી, એક ઘાયલ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બથવાડા ટોલ પ્લાઝા પર શુક્રવારે (4 સપ્ટેમ્બર) બપોરે 11 વાગ્યાની આસપાસ એક કારચાલકે ફાસ્ટેગ બેલેન્સ ન હોવાને કારણે ટોલ કર્મચારી સાથે મારામારી કરી હતી અને ત્યારબાદ કાર ચડાવીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, એક સેન્ટ્રો કારનું ફાસ્ટેગ બેલેન્સ ખતમ થઈ ગયું હતું, જેથી ટોલ કર્મચારીએ ચાલકને અટકાવીને કાર સાઈડમાં લેવા કહ્યું હતું. આ વાત પર ઉશ્કેરાયેલા ચાલક અને તેની સાથેના બે અન્ય શખ્સોએ કર્મચારી સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો.

આ દરમિયાન અન્ય ટોલ કર્મચારીઓ ત્યાં એકઠા થયા હતા, ત્યારે કારચાલકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને કર્મચારીઓ પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં તેણે યુ-ટર્ન મારીને પાછો આવીને એક કર્મચારીને ટક્કર મારી હતી, જેના કારણે તે હવામાં ઉછળીને નીચે પટકાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘટના બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફતેપુરા પોલીસે ફરિયાદ નોંધીને કારચાલક અને અન્ય બે શખ્સોની શોધ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.