દહેગામ એપીએમસી (APMC)એ ખેડૂતો અને ગ્રાહકો બંનેના હિત માટે 'ખેડૂત ગ્રાહક બજાર' નામની નવી પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે એપીએમસીમાં માત્ર જથ્થાબંધ વેચાણ થતું હોય છે, પણ અહીં નગરપાલિકા પાસેથી મહિને ₹40,000ના ભાડે જગ્યા લઈને ખેડૂતોને છૂટક વેચાણનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે.
આ વ્યવસ્થામાં રોજ અંદાજે 14 ટન શાકભાજીનું વેચાણ થાય છે. 1,200થી 1,500 ગ્રાહકો સીધા ખેડૂતો પાસેથી વ્યાજબી ભાવે તાજી શાકભાજી ખરીદે છે. એપીએમસી ખેડૂતો પાસેથી કોઈ વધારાનું ભાડું કે કમિશન લેતી નથી અને વેચાણ માટે પગારદાર કર્મચારીઓ પણ રાખ્યા છે.
ગત 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ પ્રયોગથી મધ્યસ્થીઓ દૂર થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ પણ ઘટી રહ્યો છે.
બીજી તરફ અમદાવાદમાં સામાન્ય દેશી શાકભાજીની સાથે વિદેશી એટલે કે 'એક્ઝોટિક વેજીટેબલ્સ'નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. શહેરના સૌથી જૂના માણેકચોક મ્યુનિસિપલ શાકમાર્કેટમાં બ્રોકોલી, બેબીકોર્ન, એડમામે, યલો ઝુકીની, રોમેન લેટીસ, બોકચોય અને ચેરી ટોમેટો જેવા વિદેશી શાકભાજી સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે.
હેલ્થ કોન્સિયસ લોકો પોતાના રૂટિન ડાયટ, સલાડ, સૂપ અને કોન્ટિનેન્ટલ વાનગીઓમાં પોષક તત્વોથી ભરપૂર આ વેજીટેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય દેશી શાકભાજી જ્યાં કિલોના ₹50થી ₹60માં મળે છે, ત્યાં ઇટાલી અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવતા આ એક્ઝોટિક શાકભાજીના ભાવ ₹1,000થી ₹1,600 સુધી પહોંચવા છતાં મોંઘા ભાવની પરવા કર્યા વગર અમદાવાદીઓની થાળીમાં વિદેશી સ્વાદ સ્થાન બનાવી રહ્યા છે.