દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને ગ્રાહકોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે પેટ્રોલ-ડીઝલ પંપના ડીલરોએ દરરોજ માપ તપાસવું પડશે. આ માટે પ્રશાસને કડક જાહેરનામું બહાર પાડ્યું છે, જેનો હેતુ ઈંધણ વિતરણમાં થતી ગેરરીતિઓને અટકાવવાનો છે.
સંઘપ્રદેશમાં ઓછા વેટના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર કરતાં પેટ્રોલ-ડીઝલ સસ્તું મળે છે. તેથી ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થતાં વાહનો મોટી સંખ્યામાં અહીં ઈંધણ ભરાવે છે. પરિણામે સંઘપ્રદેશમાં ઘણા પેટ્રોલપંપ કાર્યરત છે. આ પૃષ્ઠભૂમિમાં, ગ્રાહકોને પૂરતા માપમાં ઈંધણ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ નોટિફિકેશન લાવવામાં આવ્યું છે.
નવા નિયમો અનુસાર, ફ્યુઅલ ડિસ્પેન્સર્સ (પેટ્રોલ-ડીઝલ પંપ)ની ચોકસાઈ ચકાસવા માટે દર 24 મહિને એકવાર અધિકારી દ્વારા ફરજિયાત ચકાસણી અને સ્ટેમ્પિંગ કરાવવું પડશે. સ્ટોરેજ ટેન્કની ચકાસણીનો સમયગાળો 5 વર્ષ રાખવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ-ડીઝલનું વહન કરતી ટેન્કરોની દર 12 મહિને પુનઃચકાસણી કરાવવી અનિવાર્ય રહેશે.
વધુમાં, દરેક પંપ પર ડીલરે 5 અને 10 લિટર ક્ષમતાનું સરકારી પ્રમાણિત માપ રાખવું ફરજિયાત છે. દરરોજ પંપમાંથી નીકળતા ઈંધણના જથ્થાનો આઉટપુટ ચકાસવો પડશે. જો કોઈ પંપ ઓછું પેટ્રોલ-ડીઝલ આપતું હોવાનું જણાશે, તો તાત્કાલિક ડિલિવરી રોકી દેવી પડશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારા ડીલરો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બિનપ્રમાણિત વજન કે માપના ઉપયોગ બદલ પ્રથમ ગુનામાં રૂ. 50,000 અને બીજા કે ત્યારબાદના ગુનામાં રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. બિનચકાસાયેલા સાધનોના ઉપયોગ બદલ પ્રથમ ગુનામાં રૂ. 10,000 સુધીનો દંડ વસૂલી શકાય છે.
પ્રશાસનના આ પગલાંથી ઈંધણ વેચાણમાં થતી ગેરરીતિઓ પર અંકુશ આવશે અને ગ્રાહકોને પૂરતા માપમાં પેટ્રોલ-ડીઝલ મળશે તેવી આશા છે.