સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં 'મુરાસુ' વાવાઝોડું તીવ્ર બન્યું, આંધ્રપ્રદેશમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ

બંગાળની ખાડીમાં 'મુરાસુ' વાવાઝોડું તીવ્ર બન્યું, આંધ્રપ્રદેશમાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ

બંગાળની ખાડીમાં 1 નવેમ્બરે સર્જાયેલું ઊંડું દબાણ હવે ચક્રવાત 'મુરાસુ'માં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 2 નવેમ્બરની સવાર સુધીમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે.

IMDની આગાહી પ્રમાણે, 'મુરાસુ' 2 નવેમ્બરની મધ્યરાત્રિથી 3 નવેમ્બરની સવાર વચ્ચે આંધ્રપ્રદેશના નેલ્લોર અને નરસાપુર વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક રહેવાની અને ક્યારેક 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી શક્યતા છે.

વાવાઝોડાની અસર હેઠળ આંધ્રપ્રદેશના કૃષ્ણા, ગુંટુર, બાપટલા, પ્રકાશમ અને એસપીએસઆર નેલ્લોર જિલ્લામાં 2 નવેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, 2થી 3 નવેમ્બર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં પણ ભારે વરસાદની આગાહી છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ 2 નવેમ્બરનો દિલ્હીનો પ્રવાસ રદ કરી દીધો છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું હળવું દબાણ 2 નવેમ્બર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. તે 3 નવેમ્બરની સવારે બાપટલા નજીક લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે."

ઓડિશા સરકારે પણ દક્ષિણ ભાગમાં બચાવ અને રાહત કામગીરીની તૈયારીઓ ઝડપી બનાવી છે. સ્પેશિયલ રિલિફ કમિશનર (SRC)એ કટોકટીના નિર્દેશો જારી કર્યા છે, કારણ કે ઓડિશાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવનની શક્યતા છે. અગાઉ ચક્રવાત અર્નબથી પ્રભાવિત ગંજમ અને ગજપતિ જિલ્લામાં પૂરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.