સત્ય. સાહસ. સંકલ્પ.

મુરાસુ વાવાઝોડું ભયંકર બન્યું: આંધ્ર પ્રદેશ-તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી, ચેન્નાઈમાં શાળાઓ બંધ

મુરાસુ વાવાઝોડું ભયંકર બન્યું: આંધ્ર પ્રદેશ-તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી, ચેન્નાઈમાં શાળાઓ બંધ

બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘મુરાસુ’ ભયંકર બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 કલાક દરમિયાન આ વાવાઝોડું લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું સોમવારે રાત્રે 11:30 વાગ્યાથી મંગળવાર સવારે 4:00 વાગ્યા દરમિયાન દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની પૂરેપૂરી શક્યતા છે.

આ વાવાઝોડું ઓંગોલ નજીક આવેલા નેલ્લોર અને નરસાપુર વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ શકે છે. દરિયાકાંઠે ટકરાતી વખતે વાવાઝોડાની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા છે, જ્યારે પવનના તીવ્ર ઝાપટાં સાથે આ ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સોમવારે મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આ સિસ્ટમ ચેન્નાઈથી લગભગ 260 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રિત હતી.

વાવાઝોડાની અસરના કારણે 2 અને 3 નવેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો અને રાયલસીમામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર તમિલનાડુના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

વાવાઝોડા ‘મુરાસુ’ના ખતરાને ધ્યાનમાં રાખીને ચેન્નાઈની તમામ શાળાઓમાં સોમવાર માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. તીવ્ર પવનના કારણે ઝાડ પડી જવા, વીજળીના વાયરો તૂટી જવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાનું જોખમ રહેલું છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસને રાહત તથા બચાવ કામગીરી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે.