બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી હવામાન સિસ્ટમ સપ્ટેમ્બરના અંતમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આ વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અર્ણવ' 24 સપ્ટેમ્બરની આસપાસ બનવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે.
હાલમાં થાઈલેન્ડ અને મ્યાનમારની આસપાસના વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ જેવી સ્થિતિ છે. આ સિસ્ટમ આજે સાંજ સુધીમાં ઉત્તર આંદામાન પહોંચીને પછી બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધી શકે છે. સિસ્ટમ બન્યા બાદના ત્રણથી ચાર દિવસ તેના વિકાસ માટે મહત્વના ગણાય છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે, 22 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ તે વધુ મજબૂત બનીને 24 સપ્ટેમ્બરની આસપાસ વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. જોકે, વાવાઝોડું બનશે કે નહીં અને તેની દિશા શું રહેશે, તે અંગે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે.
જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે, તો તેનું નામ 'અર્ણવ' રાખવામાં આવશે. આ નામ બાંગ્લાદેશે સૂચવ્યું છે. હાલ કોઈ પણ પ્રકારની ગભરાટની જરૂર નથી. ભારતીય હવામાન વિભાગ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને સમયાંતરે માહિતી જાહેર કરશે.
આ સિસ્ટમની અસરથી દેશના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા વચ્ચે આ સિસ્ટમને કારણે વિદાયની ગતિ ધીમી પડી શકે છે. ખાસ કરીને કેટલાક ભાગોમાં સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ ચાલુ રહી શકે છે.
બંગાળની ખાડીની આ સિસ્ટમને પગલે દક્ષિણ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. સિસ્ટમ વધુ મજબૂત બનશે કે નહીં અને તેની દિશા કઈ તરફ રહેશે તેના આધારે વરસાદની સ્થિતિ બદલાઈ શકે છે.
લોકો માટે સૌથી મહત્વની બાબત એ છે કે હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ અને ચેતવણીઓ પર નજર રાખવી. સિસ્ટમની સ્થિતિ અંગે આગામી 2થી 4 દિવસમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.