લખનઉ/નવી દિલ્હી: બંગાળની ખાડીમાં ઉઠેલા અર્નબ વાવાઝોડાંએ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે તબાહી સર્જી છે. ઉત્તર પ્રદેશમાં મૂશળધાર વરસાદ અને તોફાની પવનને કારણે 42 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. રાજ્યના 63 જિલ્લાઓમાં સામાન્ય કરતાં 19 ગણો વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર પ્રદેશમાં વૃક્ષો, કાચી દિવાલો અને મકાનો પડવાની ઘટનાઓમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા છે. અવધ ક્ષેત્રમાં 23 લોકોના મોત થયા છે, જ્યારે બુંદેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં આઠ લોકોના મોતના અહેવાલ છે. લખનઉમાં 21 કલાકમાં 125.8 મીમી વરસાદ પડ્યો હતો. ફરૂખાબાદમાં સામાન્ય કરતાં 200 ગણો, કાનપુર નગરમાં 160 ગણો અને કન્નૌજ, કાનપુર દેહાત તથા હરદોઈમાં 130 ગણો વરસાદ નોંધાયો હતો. અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.
મેરઠથી પ્રયાગરાજને જોડતા રૂ. 36,500 કરોડના ખર્ચે બનેલા ગંગા એક્સપ્રેસ વે પર ઉન્નાવ નજીક સોનિક અને બશીરતગંજ વચ્ચે લગભગ અડધો કિલોમીટર સુધી ત્રણ ફૂટ પાણી ભરાતાં એક્સપ્રેસ વે સ્વિમિંગ પૂલ જેવો બની ગયો હતો. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ શનિવારે ઉત્તર પ્રદેશ સુધી તેની અસર જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અસર દિલ્હી-એનસીઆર સુધી પહોંચી હતી. દિલ્હી, નોઈડા અને આસપાસના વિસ્તારોમાં શનિવારે સવારે ઘેરા વાદળ છવાયા હતા અને તાપમાન સાત ડિગ્રી સુધી ગગડી ગયું હતું.
ઝારખંડમાં મૂશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બિરસા મુંડા એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાનને કારણે છ ફ્લાઈટ રદ કરાઈ હતી. રાંચી, જમશેદપુર સહિત અનેક જિલ્લાઓમાં શનિવારે પણ શાળાઓ બંધ રહી હતી. પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં સુવર્ણરેખા નદી જોખમી સ્તરથી 2.02 મીટર ઉપર વહેતી હતી, જ્યારે ખારકાઈ નદીમાં જોખમી સ્તરથી 4.50 મીટર ઊંચું પાણી હતું. રાંચીના હતિઆ, ગેતલસુદ સહિત અનેક બંધોમાં જળસ્તર વધી ગયું હતું.
ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદને કારણે ચારધામ યાત્રા ફરી એક વખત સસ્પેન્ડ કરવામાં આવી હતી. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે, જેથી શાળાઓ બંધ રાખવામાં આવી છે. હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નૌરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી, જ્યારે શિમલા અને ધર્મશાલામાં પણ અસર જોવા મળી હતી.