બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત અર્નબ ગુરુવારે રાત્રે 11 થી 1 વાગ્યા વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેની અસરથી બંને રાજ્યોના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 70 મીમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ 193.9 મીમી વરસાદ કોરાપુટ જિલ્લાના સિમલીગુડામાં નોંધાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ તોફાની હવામાન અને તેજ પવન રહેવાની આગાહી છે. માછીમારોને શુક્રવાર સવાર સુધી દરિયામાં ન જવાની તાકીદ કરાઈ છે.
દક્ષિણ ઓડિશાના 10 જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. લગભગ 5,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મલકાનગિરીમાં ચાર પુલ ડૂબી જવાથી વાહનવ્યવહાર બંધ કરાયો છે અને સલામતીના કારણોસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ છે. રાઉરકેલાના સિવિલ ટાઉનશીપમાં 150 ફૂટ ઊંચો ગણેશ પંડાલ તોફાનને કારણે તૂટી પડ્યો હતો.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિંગપટ્ટનમના અનેક વિસ્તારોમાં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડ્યો. વિજયવાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરની ઘણી શાળાઓ સતત બીજા દિવસે બંધ છે. માછીમારોને શુક્રવાર સવાર સુધી દરિયામાં ન જવાની વિનંતી કરાઈ છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરથી ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. દાર્જિલિંગ અને કાલિમપોંગ માટે વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વાવાઝોડાની અસર અનુભવાશે. મધ્યપ્રદેશના 10 જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી અને છત્તીસગઢના 15 જિલ્લાઓ માટે વરસાદ તથા વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.