બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' મોડી રાત્રે 11 થી 1 વાગ્યા વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. તોફાનના કારણે બંને રાજ્યોના તટીય વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મુસળધાર વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, શુક્રવારે દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ પડવાની શક્યતા છે. ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆર, કર્ણાટક, પૂર્વોત્તર રાજ્યો, અંદમાન-નિકોબાર અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ઓડિશામાં ચક્રવાત સામે સાવચેતીના ભાગરૂપે દક્ષિણ ઓડિશાના 10 જિલ્લામાં તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આશરે 5,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મલકાનગિરીમાં ચાર મહત્વપૂર્ણ પુલો પાણીમાં ગરકાવ થઈ જવાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો છે. ભદ્રક અને ચિલિકા સરોવર વિસ્તારમાં તીવ્ર પવનને કારણે માછીમારોની 10થી વધુ બોટ ડૂબી ગઈ છે અને અનેક નાવોને નુકસાન થયું છે.
હવામાન વિભાગે ઓડિશાના નબરંગપુર જિલ્લા માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે, જ્યાં 20 સેન્ટીમીટરથી વધુ અતિભારે વરસાદ પડવાની આશંકા છે. બરગઢ, નુઆપાડા, બલાંગીર, કાલાહાંડી, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં 75 કિમી/કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોએ ભારે ખાનાખરાબી સર્જી છે. વિજયવાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સૂચના અપાઈ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમ્પચોંગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.