સત્ય. સાહસ. સંકલ્પ.

અર્નબ વાવાઝોડું: છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ, 22 રાજ્યોમાં એલર્ટ

અર્નબ વાવાઝોડું: છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ, 22 રાજ્યોમાં એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલા 'અર્નબ' વાવાઝોડાએ આંધ્રપ્રદેશ અને ઓડિશા બાદ છત્તીસગઢ અને ઝારખંડમાં પણ ભારે નુકસાન કર્યું છે. રાયપુર સહિત 22 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, અને ટ્રેનો તથા 24 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. રાંચીમાં વીજળીના થાંભલા ઉખડી જતાં અંધારપટ છવાઈ ગયો છે. 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અર્નબ વાવાઝોડું બુધવારે મોડી રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારે ટકરાયું હતું. તેની અસરથી બંને રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડ્યો અને ભારે પવન ફૂંકાયો. ગુરુવારે દક્ષિણ ઓડિશાના 10 જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી. 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા અને નેશનલ હાઈવે પણ સુરક્ષાના કારણે બંધ કરી દેવામાં આવ્યો.

ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકિનારે ટકરાયા પછી અર્નબ વાવાઝોડું થોડું નબળું પડ્યું, પરંતુ તેની અસરથી છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ થયો. છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત અનેક જિલ્લામાં સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું અને અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. રાયપુરની આસપાસની નદીઓ બંને કાંઠે વહેવા લાગી. રાયપુર, દુર્ગ અને બાલોદ સહિત અનેક જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. કિરંદુલ-વિશાખાપટ્ટનમ રૂટની ટ્રેનો અને જગદલપુર-હૈદરાબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી.

ઝારખંડમાં પણ ભારે વરસાદથી લોકોએ હાલાકી વેઠવી પડી. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી જતાં વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું. રાંચીમાં રસ્તા પરથી પસાર થતી એક શાળાની બસ પર વૃક્ષ પડ્યું, પરંતુ વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર 24 ફ્લાઈટ રદ કરવામાં આવી. અનેક જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી અને શનિવારે પણ શાળાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો.