સત્ય. સાહસ. સંકલ્પ.

બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડું, 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; ઉત્તર ભારતમાં ઠંડી શરૂ

બંગાળની ખાડીમાં 'અર્નબ' વાવાઝોડું, 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; ઉત્તર ભારતમાં ઠંડી શરૂ

બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ હવે 'અર્નબ' વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેના કારણે 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ વાવાઝોડાની સીધી અસર ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત રાજ્ય સરકારોએ NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દીધી છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી: તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઝારખંડ, બિહાર અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ 26 થી 29 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રારંભ: બીજી તરફ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં નવા સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફવર્ષા શરૂ થઈ છે. પહાડોમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે.