આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બુધવારે વહેલી સવારે 'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું છે. 125થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ભારે વરસાદ પડ્યો, જેના કારણે રાજ્યમાં ભારે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, વાવાઝોડું 'અર્નબ' 28 ઓક્ટોબર 2026ની વહેલી સવારે આશરે 1:20 વાગ્યે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યનમની દક્ષિણે કાકીનાડા નજીકથી દરિયાકાંઠો વટાવી ગયું હતું. આ દરમિયાન પવનના ઝાપટાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચ્યા હતા.
કાકીનાડામાં દરિયાકાંઠાનો ઉપ્પાડા રોડ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. વિશાખાપટ્ટનમમાં 400થી વધુ વૃક્ષો અને કાકીનાડામાં 100થી વધુ વીજપોલ ધરાશાયી થતાં વીજળી ગુલ થઈ ગઈ છે. અનકાપલ્લીના કન્નૂરીપાલેમમાં સૌથી વધુ 261.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અલ્લૂરી સીતારામરાજુ જિલ્લામાં પુલ તૂટી જતાં સંપર્ક કપાઈ ગયો છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વાવાઝોડાને કારણે 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. કોનાસીમા, વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી અને ભીમાવરમમાં વૃક્ષો અને વીજપોલ પડવાથી તથા કરંટ લાગવાથી આ દુર્ઘટનાઓ બની છે. મુખ્યમંત્રીએ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે પ્રશાસન રિયલ ટાઈમ ગવર્નન્સ સેન્ટર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના 13 જિલ્લાઓમાં અચાનક પૂર આવવાની ચેતવણી જાહેર કરી છે. સંભવિત ખતરાને ધ્યાને રાખીને અત્યાર સુધીમાં આશરે 57,000 લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. વિઝિયાનગરમના ધર્મપુરી ગામમાં પાણી ભરાઈ જતાં ઘરમાં ફસાયેલા 5 લોકોને પોલીસે દોરડા અને જેસીબીની મદદથી સલામત બહાર કાઢ્યા હતા. ગુંટુર અને રાજમહેન્દ્રી જેવા શહેરોમાં નહેરો છલકાઈ જતાં માર્ગો જળબંબાકાર બન્યા છે. વાયુસેનાના બે C-130J વિમાનો દ્વારા વિજયવાડા ખાતે 23 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે, જ્યારે એનડીઆરએફની ટીમો સતત રાહત કામગીરીમાં લાગેલી છે.
વાવાઝોડા વચ્ચે વિશાખાપટ્ટનમથી સિંગાપોર જઈ રહેલું સલ્ફર ભરેલું એક મોટું માલવાહક જહાજ એન્જિનમાં ખામી સર્જાતાં ભટકી ગયું હતું. આ જહાજ આંધ્રપ્રદેશના અંતરવેદી નજીક છીછરા દરિયાઈ વિસ્તારમાં ફસાઈ ગયું છે. બંદર સત્તાવાળાઓ અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ હાલ સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહીની તૈયારી કરી રહી છે.
વાવાઝોડાના કારણે હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે. વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને રાજમુંદરી એરપોર્ટ પર ફ્લાઈટ્સ ખોરવાઈ ગઈ છે. એર ઈન્ડિયાએ 6 અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 ફ્લાઈટ્સ રદ કરી છે, જ્યારે ઈન્ડિગોએ વિશાખાપટ્ટનમ ખાતેનું સંચાલન સ્થગિત કરી દીધું છે. બીજી તરફ કોલકાતામાં 5 ફ્લાઈટ્સ રદ થઈ છે અને દક્ષિણ બંગાળના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઓડિશાના પુરી અને ગંજમમાં તોફાની પવનો ફૂંકાતાં ઝાડ પડ્યાં છે અને વીજળી ગુલ થઈ છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.