સત્ય. સાહસ. સંકલ્પ.

ચક્રવાત 'અર્નબ' અતિ ભયંકર બન્યું: 9 રાજ્યોમાં એલર્ટ, બુધવારે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ શક્ય

ચક્રવાત 'અર્નબ' અતિ ભયંકર બન્યું: 9 રાજ્યોમાં એલર્ટ, બુધવારે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ શક્ય

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' વધુ ભયંકર બનીને ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનમાંથી અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહી છે. આ કુદરતી આફતનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી છે.

વાવાઝોડાની અસર હેઠળ આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત પુડુચેરીમાં તંત્રને સંપૂર્ણપણે એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, વાવાઝોડું બુધવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આવેલા યાનમ આસપાસ દરિયાકાંઠે ટકરાઈ શકે છે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ઝાટકા સાથે 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તમામ જિલ્લાઓમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને કાંઠા વિસ્તારમાં સતત ચેતવણી આપવા આદેશ આપ્યા છે.

આઈએમડી ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, વાવાઝોડું 26 ઓક્ટોબરની મધ્યરાત્રિ સુધીમાં ગંભીર અને 27 ઓક્ટોબર સુધીમાં અતિ ગંભીર ચક્રવાતમાં ફેરવાશે. તેના કારણે ઓડિશામાં 27 થી 29 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં પુરી, ગંજમ, ગજપતિ, રાયગડા અને કોરાપુટમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 30 ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ઘટશે.

તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાત તીવ્ર બનતાં મોજાં ઉછળવા લાગ્યા છે અને દરિયો તોફાની બન્યો છે. સાવચેતીના ભાગરૂપે નાગપટ્ટિનમ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધીને ચક્રવાતી તોફાન બની ચૂકી છે.

પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને દાર્જિલિંગ જેવા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર પર નિયંત્રણ મુકાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

વાવાઝોડાના પ્રભાવથી ઉત્તર પ્રદેશમાં 28 થી 31 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. રાજ્યમાં 28 ઓક્ટોબરે સોનભદ્ર, વારાણસી અને મિર્ઝાપુર સહિતના જિલ્લાઓમાં 30 થી 40 કિમીની ગતિએ પવન ફૂંકાવા સાથે યલો એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે 29 ઓક્ટોબરે પ્રયાગરાજ, કૌશામ્બી અને ચિત્રકૂટ સહિત 10 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આશંકાને કારણે ઓરેન્જ એલર્ટ અપાયો છે. વરસાદને પગલે રાજ્યમાં તાપમાનમાં 5 થી 8 ડિગ્રી સુધીનો મોટો ઘટાડો નોંધાઈ શકે છે.

યુપી રાહત કમિશનર કાર્યાલય દ્વારા નાગરિકોને વાવાઝોડા દરમિયાન કાચા બાંધકામ, મોટા ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવા તથા અનિવાર્ય ન હોય તો મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી છે. આકાશી વીજળીથી બચવા ખુલ્લા મેદાનો કે ખેતરોમાં ન જવા તાકીદ કરાઈ છે. ખેડૂતોને પોતાના તૈયાર પાક અને અનાજને સુરક્ષિત રાખવા તેમજ પશુધનને સલામત જગ્યાએ ખસેડવા માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.