બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત 'અર્નબ' હવે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા રિપોર્ટ મુજબ, આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે.
IMDની આગાહી પ્રમાણે, 28 ઓક્ટોબરે સવારે અથવા બપોરે ચક્રવાત આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે. હાલમાં આ સિસ્ટમ પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય છે અને દરિયામાંથી ઊર્જા મેળવીને વધુ તીવ્ર બની રહી છે.
લેન્ડફોલ સમયે દરિયાકાંઠે 115થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે મહત્તમ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આથી દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાનની આશંકા છે.
આંધ્રપ્રદેશના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
ઓડિશાના દક્ષિણ જિલ્લાઓ જેવા કે ગજપતિ, ગંજમ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયો છે. 28 અને 29 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કાલાહાંડી, કંધમાલ, બોલાંગીર અને પુરીમાં પણ વ્યાપક વરસાદ થશે. 30 ઓક્ટોબર પછી વરસાદનું જોર ઘટશે. પશ્ચિમ બંગાળ અને કોલકાતામાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે. દાર્જિલિંગ અને કાલિમપોંગમાં અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે.
કટોકટી માટે NDRF અને SDRFની ટીમોને સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરાઈ છે. આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી, ફૂડ પેકેટ્સ અને દવાઓની વ્યવસ્થા કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રોડ અને રેલવે ટ્રાફિક પર અસર થઈ શકે છે, તેથી કેટલીક ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ કરાઈ છે. મુસાફરોને યાત્રા પહેલા સ્ટેટસ ચેક કરવા અપીલ કરાઈ છે.
પ્રશાસને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને દરિયાકિનારાથી દૂર રહેવા જણાવ્યું છે. કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો સક્રિય કરાયા છે.