ઓડિશામાં 'અકવાન' વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટા પાયે બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું છે. સરકારનું લક્ષ્ય “ઝીરો કેઝ્યુઅલ્ટી” રાખવાનું છે, એટલે કે આ વાવાઝોડા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે પ્રયાસ થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 50 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડી દેવામાં આવ્યા છે. વાવાઝોડું આંધ્રપ્રદેશના નરસાપુર અને ઓડિશાના પૂરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે.
બુધવારે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી. તેમના કહેવા મુજબ સૌથી વધુ લોકોનું સ્થળાંતર ગંજામ જિલ્લામાંથી કરવામાં આવશે. સરકાર ફક્ત દરિયાકાંઠાના વિસ્તારો પૂરતી મર્યાદિત નથી, પહાડી અને મેદાની વિસ્તારોમાંથી પણ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં 3 હજાર વાવાઝોડા રાહત કેન્દ્રો તૈયાર કરાયા છે, જેમાંથી 448 કેન્દ્રો અત્યારથી જ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
રાહત અને બચાવ કામગીરી માટે સરકારે 15 જિલ્લાઓને 20 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. ગંજામ, ગજપતિ, કંધમાલ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાના અનેક ગામોમાંથી લોકોને સલામત જગ્યાએ મોકલવાનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવારે ઓડિશાના 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. આ જિલ્લાઓમાં મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, કાલાહાંડી, ગજપતિ, ગંજામ, કંધમાલ, બૌધ, પૂરી, નયાગઢ અને ખુર્દાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીના અંદાજ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની સરેરાશ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે, તેથી નીચાણવાળા વિસ્તારોના લોકોના સ્થળાંતર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ગુરુવારથી ગંજામ, ગજપતિ, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા અને કંધમાલ જિલ્લામાં ત્રણ દિવસ માટે સ્કૂલો બંધ કરવાનું નક્કી થયું છે. સાથે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી જરૂર પડે ત્યારે તરત રાહત કામગીરી થઈ શકે.