ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' અંદાજ કરતાં વહેલું ગુરુવારે બપોર સુધીમાં આંધ્ર પ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. અગાઉ તે શુક્રવારે પહોંચવાની શક્યતા હતી. ટકરાવ સમયે પવનની ઝડપ 90થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય આ ચક્રવાતને કારણે ઓડિશાના 13 જિલ્ટાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 6 જિલ્લાઓમાં 19થી 21 નવેમ્બર સુધી તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસર 10 રાજ્યો — તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ — સુધી રહી શકે છે.
રેલવેએ ગુરુવારે ઉપડનારી ત્રણ ટ્રેનોના પ્રસ્થાન સમયમાં ફેરફાર કર્યો છે. નૌકાદળ અને અન્ય એજન્સીઓ પણ રાજ્યો સાથે મળીને તોફાનનો સામનો કરવા તૈયારીમાં લાગી ગઈ છે.
આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ અસરની આશંકા છે. 19 અને 20 નવેમ્બરે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 20 નવેમ્બરે વાવાઝોડું નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચે ટકરાઈ શકે છે. પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી હોઈ શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. NDRFની 13 અને SDRFની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિશામાં 18થી 21 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જેવા દક્ષિણના જિલ્લાઓમાં વધુ અસર થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ છે. સરકારે 8 જિલ્લાઓમાં 2 લાખ 4 હજારથી વધુ લોકોની ઓળખ કરી છે, જેમને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવશે. વહીવટીતંત્રએ રાહત કેન્દ્રો તૈયાર રાખ્યા છે અને સંવેદનશીલ ગામોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તૈયારી કરી છે. હરભંગી અને બદનાળા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ભારે વરસાદનું પાણી સંગ્રહિત કરવા જગ્યા રહે. સમુદ્રમાં 14 મીટરથી ઊંચા મોજાં ઉછળવાની આશંકા છે.
તમિલનાડુમાં ઉત્તરી ભાગોમાં 18 અને 19 નવેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ચેન્નાઈ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે. પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સમુદ્રમાં ઊંચાં મોજાં ઉછળી શકે છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
પુડુચેરી અને કરાઈકલમાં 18થી 20 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. સમુદ્રમાં ઊંચાં મોજાં ઉછળી શકે છે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. અહીં પણ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રને વરસાદ અને સમુદ્રની સ્થિતિ પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
તેલંગાણામાં 20 અને 21 નવેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. વહીવટીતંત્રને સતર્ક રહેવા અને અસરગ્રસ્ત વિસ્તારો પર નજર રાખવા કહેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં 19 અને 20 નવેમ્બરે વરસાદ પડી શકે છે. દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઝારખંડના કેટલાક ભાગોમાં 20 અને 21 નવેમ્બરે વરસાદની શક્યતા છે.
વિશાખાપટ્ટનમમાં બુધવારથી દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. કિનારાની નજીકથી લોકોને હટાવી દેવામાં આવ્યા છે અને માછીમારોએ નૌકાઓ કિનારે બાંધી દીધી છે. પુરીમાં બુધવાર મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. કોલકાતામાં પણ વરસાદ નોંધાયો છે.