ગુજરાતમાં તહેવારોના સમયે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધવાની શક્યતા છે. નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે ચેતવણી આપી છે કે અશ્લીલ એપ્લિકેશન અને શંકાસ્પદ લિંક્સ દ્વારા સાયબર છેતરપિંડી થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા સાત મહિનામાં 1.06 લાખ ફરિયાદો નોંધાઈ છે. ખાસ કરીને યુવાનોને આવી લિંક્સ પર ક્લિક ન કરવાની અને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે ચેતવણી જારી કરી છે કે અશ્લીલ સામગ્રી દર્શાવતી એપ્લિકેશનના ઉપયોગથી સાયબર છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ શકે છે. મોબાઇલ ફોન પર મોકલવામાં આવતી અશ્લીલ લિંક્સ અને જાહેરાતો પર ક્લિક કરતાં જ ફિશિંગ વેબસાઇટ્સ ખૂલી જાય છે, જે છેતરપિંડી તરફ દોરી જાય છે. ખાસ કરીને તહેવારો દરમિયાન ટાઇમપાસ માટે મોબાઇલનો ઉપયોગ કરતી વખતે આવી લિંક્સ અને જાહેરાતો અંગે સતર્ક રહેવું જરૂરી છે.
ભારતમાં બે થી ત્રણ અબજ અને ગુજરાતમાં 30 લાખથી વધુ લોકો દરરોજ ટાઇમપાસ માટે મોબાઇલ ફોન પર વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. દિવસના ત્રણ થી સાત કલાક સુધી સોશિયલ મીડિયા વાપરનારા લોકો રસપ્રદ લાગતી લિંક્સ પર ક્લિક કરવા ટેવાયેલા છે. સોશિયલ મીડિયા પર ઘરેલુ ચીજવસ્તુઓની જાહેરાતો કે જીવનજરૂરી લાગતી બાબતોની લિંક્સ પર ક્લિક કરવાનું પ્રમાણ વધારે હોય છે. વોટ્સએપ કે સાદા એસએમએસથી મોકલાતી આ લિંક્સ મોટાભાગે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ સુધી દોરી જાય છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં મશગુલ થઈ જતાં લોકો ઘણી વખત એવી લિંક્સ પર ક્લિક કરી દે છે જે અન્ય વેબસાઇટ પર લઈ જાય છે. આવી વેબસાઇટ્સની ભીડમાં કોઈ વખત મોબાઇલ ધારક જાણ્યે-અજાણ્યે એવી લિંક્સ પર ક્લિક કરી બેસે છે કે છેતરપિંડીની મુશ્કેલી શરૂ થઈ શકે છે.
નેશનલ સાયબર થ્રેટ એનાલિટિક્સ યુનિટે ચેતવણી આપી છે કે મોબાઇલ ધારકને ખ્યાલ પણ નથી રહેતો અને અમુક લિંક્સ તેમને અશ્લીલ એપ્લિકેશન સુધી દોરી જાય છે. જાહેરાતો અને અશ્લીલ એપ્લિકેશન દ્વારા ફિશિંગ વેબસાઇટ પર ધકેલવાના કિસ્સામાં તહેવારો દરમિયાન વધારો થઈ શકે છે તેવી સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી છે. એઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવા સમયે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન યુવા વર્ગને વધુ સચેત રહેવાની સલાહ અપાઈ છે.
તહેવારો દરમિયાન અનેક અજાણી લિંક્સ મોબાઇલ ફોન પર આવે તેવી સ્થિતિમાં સાવચેતીમાં જ સલામતી છે તેમ સાયબર નિષ્ણાતો કહે છે.
અશ્લીલ એપ્લિકેશનથી છેતરપિંડી કેવી રીતે થાય છે?
અશ્લીલ એપ્લિકેશનની લિંક પર ક્લિક થતાં જ મોબાઇલ ફોન અન્ય વેબસાઇટ પર રિડાયરેક્ટ થાય છે. મોબાઇલ ધારકને એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવે છે. જો વ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કરી દે તો મોબાઇલ ફોન હેક થઈ શકે છે અને સાયબર ઠગાઈની સંભાવના વધી જાય છે.
શું ધ્યાન રાખવું જોઈએ?
આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે અશ્લીલ એપ્લિકેશન, જાહેરાતો અને શંકાસ્પદ લિંક્સથી એપ્લિકેશન ફાઇલો ડાઉનલોડ ન કરવી હિતાવહ છે. અજાણી એપ્લિકેશનને મોબાઇલ ફોનના ઉપયોગની પરવાનગી જાણ્યે-અજાણ્યે આપવાની ભૂલ ન કરવી. કોઈપણ એપ્લિકેશન શંકાસ્પદ લાગે તો વિચાર કર્યા પછી ઉપયોગ કરવો. શંકાસ્પદ લાગતી લિંક્સ કે એપ્લિકેશન તાત્કાલિક ડિલીટ કરી દેવી. શંકાસ્પદ લિંક કે એપ્લિકેશન ક્લિક થઈ ગયાનું જણાય તો પાવર બટન દબાવી રાખી મોબાઇલ ફોનને સેફ મોડમાં લઈ જઈ રિસ્ટાર્ટ કરવો જરૂરી છે.
ગુજરાતમાં 7 મહિનામાં 1 લાખ સાયબર ચીટિંગ
ગુજરાતમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં 1.06 લાખ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગુજરાતમાં દર કલાકે 21 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે અને તેમને ગુમાવેલી રકમ પરત મળવાનો દર ખૂબ ઓછો છે. ફેબ્રુઆરી 2024થી જાન્યુઆરી 2026 સુધીમાં અમદાવાદીઓએ સાયબર ઠગાઈમાં 134 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.