અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત કેતનભાઈ પંચાલ સાથે સાયબર છેતરપિંડી થઈ છે. ગઠિયાઓએ અદાણી ગેસ કંપનીના નામે ફોન કરીને ‘આજે રાત્રે તમારું ગેસ કનેક્શન કપાઈ જશે’ તેવો ડર બતાવ્યો હતો અને માત્ર ₹13નું બિલ ભરવાના બહાને તેમની બેંક વિગતો મેળવી લઈ ત્રણ ખાતામાંથી કુલ ₹3,96,000 ઉપાડી લીધા હતા.
ઘટના 27 ઓગસ્ટની છે. કેતનભાઈ ઘરે હતા ત્યારે તેમની પત્નીના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં ગેસ કનેક્શન બંધ થવાની ચેતવણી આપવામાં આવી હતી. ચિંતિત થઈને તેમણે તે નંબર પર કોલ કર્યો, પરંતુ કોલ કટ થઈ ગયો. ત્યારબાદ વીડિયો કોલ આવ્યો, જેમાં કોલરે પોતાને અદાણી ગેસનો કર્મચારી ગણાવ્યો અને જણાવ્યું કે છેલ્લું બિલ અપલોડ ન થવાને કારણે કનેક્શન બંધ થઈ જશે.
ગઠિયાએ કેતનભાઈને એક એપ્લિકેશન ખોલાવીને ₹13 ભરવાની પ્રક્રિયા કરાવી. પ્રથમ પ્રયાસમાં પેમેન્ટ ફેલ થયું, ત્યારબાદ અન્ય બેંકના ખાતામાંથી પ્રયાસ કરવાના બહાને ત્રણેય બેંક ખાતાની વિગતો મેળવી લીધી. થોડી જ વારમાં તેમના ખાતામાંથી નાણાં કપાયાના મેસેજ આવવા લાગ્યા, જેમાં કુલ રૂ. 3.96 લાખ ઉપાડાયા.
ઓઢવ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાયબર નિષ્ણાતો જણાવે છે કે આવી છેતરપિંડીમાં ગઠિયાઓ સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન (જેમ કે ક્વિક સપોર્ટ, એનીડેસ્ક) ડાઉનલોડ કરાવે છે અને OTP સહિતની સંવેદનશીલ માહિતી મેળવી લે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આવા મેસેજ કે કોલ પર વિશ્વાસ ન કરે અને કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા સત્તાવાર સ્રોત પરથી ચકાસણી કરે.