સત્ય. સાહસ. સંકલ્પ.

બીબીસી, સીએનએન સહિત 178 વેબસાઇટ પર સાઇબર હુમલો, ક્રિપ્ટો વોલેટ અને બેંક વિગતો ચોરાઈ

બીબીસી, સીએનએન સહિત 178 વેબસાઇટ પર સાઇબર હુમલો, ક્રિપ્ટો વોલેટ અને બેંક વિગતો ચોરાઈ

વોશિંગ્ટન: ટોચની મીડિયા કંપનીઓ અને બ્રાન્ડ્સની વેબસાઇટ્સ પર મોટો સાઇબર હુમલો થયો છે. આ હુમલામાં ઝૂમ, બીબીસી, સીએનએન, આઇકીયા, એચએસબીસી સહિત અંદાજે 178 વેબસાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી. હેકર્સે સીધા કંપનીની સિસ્ટમ હેક કરવાને બદલે થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ 'ઓપ્ટિમાઇઝલી વેબ'નો ઉપયોગ કર્યો હતો, જેના દ્વારા ખતરનાક માલવેર ઇન્જેક્ટ કરવામાં આવ્યું.

આ સાઇબર હુમલો 16 નવેમ્બરે સામે આવ્યો હતો. હુમલામાં વપરાયેલ કોડ યુઝર્સના ક્રિપ્ટોકરન્સી વોલેટનું એડ્રેસ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તે પેમેન્ટની માહિતી ચોરી શકે છે અને બ્રાઉઝરની કુકીઝ તેમજ સ્ક્રીનશોટ પણ મેળવી શકે છે. અહેવાલ મુજબ, આઇફોન અને આઇપેડ યુઝર્સને નિશાન બનાવવા માટે કોર્ન અને ડાર્કસ્વોર્ડ જેવા iOS એક્સપ્લોઇટ કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઓપ્ટિમાઇઝલી વેબ પ્લેટફોર્મ કંપનીઓને તેમની વેબસાઇટ પર વિવિધ ડિઝાઇન અને ફીચર્સનું પરીક્ષણ કરવાની સુવિધા આપે છે, જે માટે વેબસાઇટ પર જાવાસ્ક્રિપ્ટનો એક સ્નિપેટ લોડ કરવામાં આવે છે. આ હુમલાનું સૌથી ખતરનાક પાસું ક્રિપ્ટોકરન્સી વોલેટનું એડ્રેસ બદલવાનું હોવાનું જણાવાયું છે.

આ ઘટના બાદ નિષ્ણાતોએ સલાહ આપી છે કે લોકોએ સત્તાવાર વેબસાઇટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરતી વખતે પણ રિસીવરનું નામ, આઇડી વગેરેની ચકાસણી ખાસ કરવી જોઈએ. સાઇબર સુરક્ષા જાળવવા માટે વપરાશકર્તાઓએ સતર્ક રહેવું જરૂરી છે.