ભારતીય ભોજનમાં ચટણીનું સ્થાન ખાસ છે. નાસ્તામાં ઇડલી-ઢોસા હોય કે ભોજનમાં દાળ-ભાત, ચટપટી ચટણી સાથે ખાવાનો સ્વાદ વધી જાય છે. સામાન્ય રીતે કઢી પત્તા (મીઠા લીમડા)નો ઉપયોગ વઘારમાં થાય છે, પરંતુ તેની ચટણી પણ ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આ ચટણી વાળ, ત્વચા અને પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેને બનાવવામાં માત્ર 10 મિનિટનો સમય લાગે છે.
જરૂરી સામગ્રી:
તાજા કઢી પત્તા – 1 થી 2 કપ (સારી રીતે ધોઈને સૂકવેલા), ચણાની દાળ – 1 મોટી ચમચી, અડદની દાળ – 1 મોટી ચમચી, સૂકું લાલ મરચું – 3 થી 4 (સ્વાદ મુજબ), આંબલીની પેસ્ટ અથવા લીંબુનો રસ – 1 નાની ચમચી, લસણ – 3 થી 4 કળીઓ (વૈકલ્પિક), રાઈ – અડધી નાની ચમચી, તેલ – 2 નાની ચમચી, મીઠું – સ્વાદાનુસાર.
બનાવવાની રીત:
1. પૅનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં ચણાની દાળ, અડદની દાળ, લસણ અને સૂકું લાલ મરચું નાખીને ધીમી આંચ પર સોનેરી રંગ અને સુગંધ આવે ત્યાં સુધી શેકો. શેક્યા પછી પ્લેટમાં કાઢી ઠંડા કરો.
2. તે જ પૅનમાં વધેલા તેલમાં તાજા કઢી પત્તા નાખો. 2-3 મિનિટ ધીમી આંચ પર શેકો, જેથી ભેજ નીકળી જાય અને પત્તા હળવા ક્રિસ્પી થાય. તેને પણ ઠંડા કરો.
3. ઠંડા થયેલા શેકેલા મસાલા અને કઢી પત્તાને મિક્સરમાં નાખો. તેમાં મીઠું, આંબલીની પેસ્ટ અને થોડું પાણી ઉમેરીને પીસી લો. ચટણી વધુ પાતળી ન રાખો; હળવી જાડી અને કરકરી રાખવાથી સ્વાદ સારો આવે છે. પીસેલી ચટણી બાઉલમાં કાઢો.
4. વઘાર માટે નાના વઘારિયામાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઈ તડકાવો અને ઈચ્છો તો સૂકું લાલ મરચું અને ચપટી હિંગ નાખો. આ ગરમ વઘાર ચટણી પર નાખીને મિક્સ કરો.
તૈયાર છે પૌષ્ટિક કઢી પત્તાની ચટણી. તેને એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં 3 થી 4 દિવસ સુધી સાચવી શકાય છે.