સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સે ઝહીર ખાનને બનાવ્યો મુખ્ય કોચ, 5થી 7 કરોડનો સંભવિત પગાર

IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સે ઝહીર ખાનને બનાવ્યો મુખ્ય કોચ, 5થી 7 કરોડનો સંભવિત પગાર

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2027 સીઝન પહેલા ઝહીર ખાનને ટીમનો નવો મુખ્ય કોચ નીમ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ઝહીર IPLમાં મુખ્ય કોચની ભૂમિકા સંભાળશે. અગાઉ તે ટીમના ક્રિકેટ ડિરેક્ટર અને માર્ગદર્શક તરીકે કામ કરી ચૂક્યો છે.

2026ની IPL સીઝન બાદ સ્ટીફન ફ્લેમિંગે CSKના કોચ પદેથી રાજીનામું આપ્યા બાદ ફ્રેન્ચાઇઝીએ નવા કોચની શોધ શરૂ કરી હતી. આ પ્રક્રિયામાં અનેક ભારતીય અને વિદેશી કોચ સાથે ચર્ચા થઈ હતી. દિલ્હી કેપિટલ્સના પૂર્વ કોચ હેમાંગ બદાણીનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ બદાણી એક વર્ષથી વધુ સમય માટે ટીમ સાથે જોડાવા અને વિદેશી લીગમાં પણ કોચિંગ કરવા માંગતા હોવાથી વાત આગળ વધી નહોતી.

અહેવાલો અનુસાર, ઝહીર ખાનના નામની ભલામણ મહેન્દ્રસિંહ ધોનીએ કરી હતી. ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ટીમ મેનેજમેન્ટે સંમતિ આપી હતી.

ઝહીરને હાલમાં ફક્ત IPL 2027 સીઝન માટે મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેમના કરારમાં કાર્યકાળ લંબાવવાનો વિકલ્પ પણ સામેલ છે. તેમના પગારની ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી. જોકે, અહેવાલો મુજબ CSKએ કોચ માટે ₹5થી 7 કરોડનું બજેટ નક્કી કર્યું હોવાથી ઝહીરને પણ આ જ રેન્જમાં પગાર મળવાની શક્યતા છે.