ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે IPL 2027ની હરાજી પહેલાં ચાર ખેલાડીઓની આંતર-ટીમ ટ્રેડ થઈ છે. BCCIએ ગુરુવારે આ ડીલની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ ટ્રેડ હેઠળ હૈદરાબાદ તરફથી ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયા છે. જ્યારે ચેન્નઈ તરફથી ઝડપી બોલર ખલીલ અહમદ અને ઓસ્ટ્રેલિયાના પેસર નાથન એલિસ હૈદરાબાદની ટીમમાં જોડાયા છે.
લિવિંગસ્ટન 6 કરોડ રૂપિયા અને એડવર્ડ્સ 3 કરોડ રૂપિયાની વર્તમાન ફી પર CSKમાં આવ્યા છે. બીજી તરફ, ખલીલ અહમદ 4.8 કરોડ રૂપિયા અને એલિસ 2 કરોડ રૂપિયાની ફી પર SRH સાથે જોડાયા છે.
લિયામ લિવિંગસ્ટનને હૈદરાબાદે અગાઉની હરાજીમાં 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તે 6 કરોડ રૂપિયાની ઓછી ફી પર ચેન્નઈ પહોંચ્યો છે. તે બેટિંગ ઉપરાંત ઑફ સ્પિન અને લેગ સ્પિન બોલિંગ પણ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ પણ 3 કરોડ રૂપિયાની ફી પર ચેન્નઈ જોડાયો છે. SRHએ તેને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પહેલાં સાઇન કર્યો હતો, પરંતુ પગની ઇજાને કારણે તે IPL 2026માં રમી શક્યો નહોતો.
ડાબા હાથના ઝડપી બોલર ખલીલ અહમદ 4.8 કરોડ રૂપિયાની ફી પર SRH સાથે જોડાયો છે. તે 2018થી 2021 સુધી હૈદરાબાદની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ખલીલે IPL 2025માં ચેન્નઈ માટે 14 મેચમાં 15 વિકેટ ઝડપી હતી, જ્યારે IPL 2026માં તેણે 5 મેચ રમી હતી, પરંતુ જમણી હેમસ્ટ્રિંગની ઇજાને કારણે સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયો હતો. CSK માટે તેની છેલ્લી બે સીઝનમાં તેણે 19 મેચમાં 17 વિકેટ ઝડપી હતી.
નાથન એલિસ 2 કરોડ રૂપિયાની ફી પર SRHમાં જોડાયો છે. તે પોતાની બોલિંગમાં વિવિધતા અને ડેથ ઓવર્સમાં અસરકારક પ્રદર્શન માટે જાણીતો છે. એલિસના આગમનથી હૈદરાબાદની ઝડપી બોલિંગને મજબૂતી મળશે.
IPL 2027 માટે ખેલાડીઓની હરાજી 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે. તે પહેલાં તમામ 10 ટીમોએ 17 નવેમ્બર સુધીમાં જણાવવું પડશે કે તેઓ પોતાના વર્તમાન ખેલાડીઓમાંથી કોને ટીમમાં જાળવી રાખવા માગે છે. છેલ્લી ત્રણ હરાજી ભારતની બહાર યોજાઈ હતી – 2024માં દુબઈ, 2025માં જેદ્દાહ અને 2026માં અબુ ધાબીમાં.