આઈપીએલ 2027 ની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી રહી છે. થોડા દિવસો પહેલા જ ટીમે ભારતના પૂર્વ ઝડપી બોલર ઝહીર ખાનને મુખ્ય કોચ તરીકે પસંદ કર્યા હતા.
હવે ફ્રેન્ચાઇઝીએ વધુ એક જાહેરાત કરી છે. ચેન્નાઈએ ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ગેરેથ બેટ્ટીને સહાયક કોચ (એસિસ્ટન્ટ કોચ) તરીકે નિયુક્ત કર્યા છે. આ નવા ફેરફાર સાથે ટીમ નવી સિઝન માટે તૈયારી કરી રહી છે.
બેટ્ટીનો કોચિંગનો અનુભવ નોંધપાત્ર રહ્યો છે. તેઓ ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સરેના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સરેએ 2022 થી 2024 સુધી સતત ત્રણ વખત કાઉન્ટી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.
આ સફળતાને ધ્યાનમાં રાખીને ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને ટીમ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. હવે બેટ્ટી આઈપીએલમાં ઝહીર ખાન સાથે મળીને CSK ના કોચિંગ સ્ટાફની જવાબદારી સંભાળશે.
સરે કાઉન્ટી ક્લબે પણ બેટ્ટીના વિદાયની સત્તાવાર પુષ્ટિ કરી છે. ક્લબે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં જણાવ્યું કે, "અમારા મુખ્ય કોચ ગેરેથ બેટ્ટી આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાવા માટે ક્લબ છોડી રહ્યા છે."
ક્લબે તેમના કાર્યકાળ દરમિયાન મળેલી સફળતા માટે બેટ્ટીનો આભાર માન્યો છે. સતત ત્રણ વખત ટાઇટલ જીતવું તે મોટી સિદ્ધિ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલના ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક ગણાય છે. ચેન્નાઈ અને મુંબઈ ઇન્ડિયન્સ પાસે હાલમાં પાંચ-પાંચ આઈપીએલ ટ્રોફી છે. CSK એ છેલ્લે 2023 માં ધોનીની કપ્તાની હેઠળ પાંચમું ટાઇટલ જીત્યું હતું.
નવી સિઝનમાં કોચિંગ સ્ટાફમાં થયેલા ફેરફારો પછી ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.