સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027 પહેલાં CSKમાં મોટા ફેરફાર: માઈકલ હસીએ 8 વર્ષ પછી છોડી ટીમ

IPL 2027 પહેલાં CSKમાં મોટા ફેરફાર: માઈકલ હસીએ 8 વર્ષ પછી છોડી ટીમ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં IPL 2027 પહેલાં કોચિંગ સ્ટાફમાં ફેરફારોનો દોર ચાલુ છે. આ શ્રેણીમાં હવે બેટિંગ કોચ માઈકલ હસીએ 8 વર્ષ બાદ ટીમ છોડી દીધી છે. હસી 2018થી CSK સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા હતા.

તેમના પહેલાં મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ અને બોલિંગ કોચ એરિક સિમન્સ ટીમ છોડી ચૂક્યા છે. ફ્લેમિંગની વિદાય બાદ CSK ના સપોર્ટ સ્ટાફમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. હવે ઝહીર ખાનને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે, જ્યારે એરિક સિમન્સની જગ્યાએ બોલિંગ કોચની જવાબદારી મોહિત શર્મા સંભાળશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરની નોકરી પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ફોસ્ટરના કોન્ટ્રાક્ટને લંબાવવાના નિર્ણય પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ફોસ્ટર ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર છે અને ગયા વર્ષે CSK સાથે જોડાયા હતા.

માઈકલ હસીની વાત કરીએ તો, તેઓ ખેલાડી અને કોચ – બંને ભૂમિકામાં ચેન્નઈ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ 6 સીઝન સુધી CSK માટે ખેલાડી તરીકે રમ્યા હતા અને 2018થી 5 વખતની ચેમ્પિયન ટીમ સાથે કોચ તરીકે જોડાયેલા હતા. અહેવાલો અનુસાર, CSK મેનેજમેન્ટે હસીને આ નિર્ણયની જાણ કરી દીધી છે. એવું પણ કહેવાય છે કે હસી અન્ય કેટલીક ટીમોના સંપર્કમાં છે, તેથી IPL 2027માં તેઓ બીજી ટીમ સાથે જોડાય તો આશ્ચર્ય નહીં થાય.

ઉલ્લેખનીય છે કે સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ CSKનો સાથ છોડ્યો હતો, જ્યારે એરિક સિમન્સ 9 વર્ષથી ટીમ સાથે જોડાયેલા હતા. હવે CSKનો નવો સપોર્ટ સ્ટાફ તૈયાર થઈ રહ્યો છે, જેમાં ઝહીર ખાન મુખ્ય કોચ અને મોહિત શર્મા બોલિંગ કોચ તરીકે જવાબદારી સંભાળશે.